Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જામનગરમાં એક જ પરિવારના ૩ સગાભાઇઓના કોરોનાથી મોત થતા ઘેરો શોક

લોહાણા વેપારી પરિવારના એક સાથે ૧૧ સભ્યોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા'તા

જામનગર,તા. ૭ :  કોરોનાએ સમગ્ર દેશ અને રાજયમાં  હાહાકાર મચાવી દીધો છે. રાજયમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં તો કોરોના સંક્રમણનો ફેલાવો વધારે ને વધારે વધતો જાય છે. ત્યારે જામનગરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. જામનગરના અગ્રણી લોહાણા વેપારી પરિવારમાં એક સાથે ૧૧ લોકો કોરોના સંક્રમિત થયા હતાં. જેમાં ત્રણ સગા ભાઇઓના કોરોનાને કારણે મોત થયા છે. જેના કારણે તેમના આ દુઃખદ સમાચારથી વેપારી સમાજનાં લોકો સ્તબ્ધ થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ જામનગરમાં આવેલા ગ્રેઇન માર્કેટના અગ્રણી વેપારી તેમજ કો.કો. બેંકના ચેરમેન પ્રવીણભાઇ ચોટાઇ સાથે તેમનાં અન્ય ત્રણ ભાઇઓ વિનુભાઇ ચોટાઇ, મનુભાઇ ચોટાઇ, હરીશભાઇ ચોટાઇ અને સમગ્ર પરિવારના ૧૧ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતાં. જેથી તેઓ તમામને શહેરની જી. જી હોસ્પટિલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેઓને કોવિડ વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરાયા હતાં.

જે પૈકી પ્રવીણભાઇ ચોટાઇ સહિત અન્ય ૭ સભ્યો કોરોનાને મ્હાત આપતા ઘરે પરત ફર્યા હતાં. હાલમાં તેઓ કવોરન્ટાઇન છે. પરંતુ તેમનાં ત્રણ ભાઇઓ વિનુભાઇ, મનુભાઇ અને હરીશભાઇ કોરોનાને કારણે જી. જી હોસ્પિટલમાં જ મૃત્યુ પામ્યા છે. તેમના ત્રણ ભાઇઓમાં સૌ પહેલાં વિનુભાઇએ અંતિમ શ્વાસ લીધાં, પાંચ દિવસ બાદ મનુભાઇ અને ગઇ કાલે રવિવારના રોજ ત્રીજા ભાઇ હરીશભાઇએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. જેનાં કારણે સમગ્ર શહેરમાં દ્યેરા શોકના પ્રત્યાઘાતો પડ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ સાંજના રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૩૩૫ કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતો  ની સંખ્યા ૧,૦૪,૩૪૧હ્ય્ પહોંચી છે. જયારે છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક ૩૧૦૮એ  પહોંચ્યો છે.

રાજયમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે પણ તેની સાથે સાજા થવાનો દર પણ વધ્યો છે. આજે કોરોનાના ૧૩૧૦ કેસ આવ્યા જયારે તેની સામે ૧,૨૧૨ દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ ૮૪,૭૫૮ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર ૮૧.૨૩ ટકા થયો છે.

રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોનાના ૧૬,૪૭૫ કેસ એકિટવ છે. ગુજરાતમાં કોરોનાની ટેસ્ટિંગ વધી છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૭૨,૫૬૧ ટેસ્ટ કરવામાં આવ્યાં છે જયારે ટેસ્ટિંગનો કુલ આંકડો ૨૭,૮૦,૬૮૧ પર પહોંચ્યો છે.

તમને જણાવી દઇએ કે હાલમાં જામનગરમાં કોરોનાના આંકડા જોઇએ તો કોરોનાગ્રસ્ત વધુ ૫ દર્દીનાં સારવાર દરમ્યાન મોત નિપજયાં છે. શહેર-જિલ્લામાં વધુ ૧૦૬ પોઝિટિવ કેસો નોંધાયા છે. જયાં શહેરમાં ૯૭ અને જિલ્લામાં ૯ દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી એકટીવ કેસનો આંકડો ૩૯૨ એ પહોંચ્યો છે.

(3:06 pm IST)