Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

લોકસંગીતના માધ્યમથી 'કોવિડ વિજયરથ' કચ્છ સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં કોરોના સામે લોકજાગૃતિ વધારશે- સાંસદ વિનોદ ચાવડા : હારશે કોરોના, જીતશે ગુજરાતના સંકલ્પ સાથે મુખ્યમંત્રી વિજયભાઈએ ઈ-સ્ટાર્ટ આપી મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ જિલ્લામાં ફરનાર કોવિડ વિજયરથનો કરાવ્યો પ્રારંભ, ભુજ મધ્યે સાંસદ વિનોદ ચાવડાએ આપ્યો સ્ટાર્ટ

(ભુજ)  રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુનિસેફ અને ગુજરાત સરકારની સાથે મળીને કેન્દ્રીય માહિતી પ્રસારણ બ્યુરોના વિવિધ વિભાગો દ્વારા આયોજિત ગુજરાતભરમાં ફરનારા કોવિડ વિજયરથને ઈ સ્ટાર્ટ આપ્યો હતો. રાજ્યના પાંચ ઝોનને સાંકળીને કચ્છ ઝોન હેઠળ આવતા કચ્છ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓ મોરબી, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છમાં ફરનારા વિજયરથનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઈએ આપેલા ઈ સ્ટાર્ટ સાથે જ ભુજ મધ્યે સાંસદ વિનોદ ચાવડાએ લીલીઝંડી આપી કરાવ્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મ ઉપર યોજાયેલા આ કાર્યક્રમમાં ઓનલાઈન સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, 'હારશે કોરોના અને જીતશે ગુજરાતના સંકલ્પ સાથે' ધન્વંતરી રથ પછી ગુજરાતમાં આ બીજો રથ ફરતો થશે. કોરોનાથી સાજા થનાર દર્દીઓનો ગ્રાફ ગુજરાતમાં ઘણો જ ઊંચો છે. કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ આંક પણ ગુજરાતમાં ઘણો જ નીચો છે. કોરોના સામેના જંગને જીતવામાં ગુજરાત દેશમાં રોલ મોડેલ બનશે. વિજયભાઈએ જણાવ્યું હતું કે, આ રથ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા ફેસલેસ આવકવેરા આકારણીના નિર્ણય, નવી શિક્ષણ નીતિ, આત્મનિર્ભર ભારત સહિતની વિવિધ યોજનાનો પ્રચાર પ્રસાર પણ કરાશે.  કેન્દ્રીય માહિતી પ્રસારણ બ્યુરોના ગુજરાતના એડિશનલ ડીજી ડો. ધીરજ કાકડીયાએ જણાવ્યું હતું કે, યુનિસેફના સહકારથી કોવિડ વિજયરથ દ્વારા ગુજરાતભરના અંતરિયાળ વિસ્તારોમાં લોકસંગીત ના માધ્યમથી કોવિડ સામેની લોક જાગૃતિનો સંદેશો પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનેકવિધ નવી યોજનાઓ વિશે લોકો જાણી શકશે. રાજ્યન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોવિડ વિજયરથની સાથે સંવેદનશીલ અનુભૂતિ દર્શાવી જરૂરિયાતમંદ વિસ્તારોમાં માસ્ક, ઇમ્યુનિટી બુસ્ટર વધારતી આયુર્વેદિક દવાઓનું પણ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. સાંસદ વિનોદ ચાવડાએ કચ્છમાં સાત દિવસ સહિત ચારેય જિલ્લાઓમાં ૪૪ દિવસ ફરી લોકસંગીતના માધ્યમથી અંતરિયાળ વિસ્તારોમાં લોકજાગૃતિ આણવાના પ્રયાસને આવકારદાયક ગણાવ્યો હતો. સાંસદશ્રી ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા કોવિડની મહામારી સામેના લેવાયેલા પગલાંને અસરકારક ગણાવ્યા હતા. યુનિસેફના ગુજરાતના લક્ષ્મી ભવાનીએ કોરોના સામેની મહામારી દરમ્યાન લોકસંગીત સાથે કોવિડ વિજયરથના માધ્યમથી લોકજાગૃતિ લાવવાના પ્રયાસને બિરદાવ્યો હતો. આ આયોજન માટે કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના એડી.ડીજી ડો. ધીરજ કાકડીયાના પ્રયાસોને બિરદાવ્યા હતા. આભારદર્શન પીઆઈબીના ગુજરાતના ડાયરેકટર સરિતા દલાલે કર્યું હતું. કચ્છઝોનનું સંકલન ઇન્ચાર્જ અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. કાર્યક્રમમાં રાજયના પ્રવાસન નિગમના ડાયરેકટર કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 pm IST)