Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ભુજમાં ભાડે રહેતા યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળ્યો

અલીગઢનો વતની અને ભુજની એક કાર ગેરેજમાં મિકેનીક તરીકે કામ કરતો હતો. ભાડાના મકાનમાં તે એકલો જ રહેતો હતો અને અપરિણીત હતો.

 ભુજઃ જિલ્લામાં આજે અકસ્માત-આપઘાતની વધુ ત્રણ ઘટના ઘટી હતી. ભુજના નવી રાવલવાડી વિસ્તારમાં કારિતાસ સોસાયટીના મકાનમાં ભાડે રહેતાં યુવકનો ગળેફાંસો ખાધેલી હાલતમાં કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મરણ જનાર ૩૯ વર્ષિય વિકાસકુમાર રવિન્દ્રસિંહ ઠાકુર મૂળ ઉત્તરપ્રદેશના અલીગઢનો વતની હતો અને ભુજની એક કાર ગેરેજમાં મિકેનીક તરીકે કામ કરતો હતો. ભાડાના મકાનમાં તે એકલો જ રહેતો હતો અને અપરિણીત હતો.

બે-ત્રણ દિવસથી ફોન બંધ હોઈ તેના પિતરાઈ ભાઈએ ગત રાત્રે તેના મકાને જઈ તપાસ કરતાં મકાન અંદરથી બંધ હતું. મકાનનો દરવાજો તોડીને જોયું તો અંદર સીલીંગ ફેન સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં વિકાસનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી તેમ ભુજ એ ડિવિઝન પોલીસે જણાવ્યું છે.

(12:16 am IST)