Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

વડિયાના હનુમાન ખીજડીયામા જિલ્લા કિસાન કોંગ્રેસના પ્રમુખની આગેવાનીમાં ગામ લોકોના આંદોલનને મળી સફળતાઃ રોડની કામગીરી શરૂ

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા, તા.૭: અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયાના છેવાડાના ગામ એવા હનુમાન ખીજડીયાથી જેતપુર જવાનો મુખ્‍ય માર્ગ ગેરંટી પરિયાડમાં હોવા છતાં તંત્ર ને વારંવાર રજુવાત કરવા છતાં કોઈ ઉકેલ ના આવતા અંતે અમરેલી જિલ્લા કલેક્‍ટરને પણ લેખિત રજુઆત કરાઈ હતી. પરંતુ કોઈ ઈચ્‍છીત પરિણામ પ્રાપ્ત ના થતા અને લોકોની સમસ્‍યાઓ વધતા હનુમાન ખીજડીયાના ગ્રામજનો કોંગ્રેસી આગેવાન સત્‍યમ મકાણીની નેતાગીરી અને રાહબરી નીચે મોટી સંખ્‍યામાં લોકો એકત્રિત થઈને રસ્‍તાની સ્‍મશાન યાત્રા, બેસણું જેવા કાર્યક્રમ યોજયા હતા. અંતે ૧૫ દિવસમાં આ રોડનુ ગેરંટી પિરિયડમાં કોન્‍ટ્રાકટર સતાણી દ્વારા રિફ્રેસીંગ ના થાય તો આવનારી વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાં મતદાનનો બહિષ્‍કાર કરવાની પણ ચીમકી ઉચ્‍ચારાઈ હતી. ત્‍યારે લોકશાહી દેવના પર્વ એવા ચૂંટણીના મતદાન બહિષ્‍કારની ચીમકી ઉચ્‍ચારતા મીડિયા એ પણ સમગ્ર કાર્યક્રમની નોંધ લીધી હતી.

ત્‍યારે  મીડિયા અહેવાલને પગલે જિલ્લાનુ તંત્ર સફાળું જાગ્‍યુ હતુ અને અનેક રજુઆત બાદ ચૂંટણી બહિષ્‍કારની ચીમકી કારગત નીવડી હોય તેવુ જોવા મળ્‍યું છે. આંદોલનના ત્રીજા જ દિવસે કોન્‍ટ્રાકટર સતાણી દ્વારા હનુમાન ખીજડીયા - ચારણ સમઢીયાળા રોડની કામગીરી શરૂ થતા બે વર્ષથી લોકોને પડતી હાલાકીની અંત આવતા આંદોલન સફળ થયાની ખુશી કોંગ્રેસી આગેવાન સત્‍યમ મકાણી અને ગ્રામજનોમાં જોવા મળી હતી.

હાલ આ રોડના રીફ્રેસીંગનુ કામ કોન્‍ટ્રાકટર સતાણી પૂર્ણતા તરફ લઈ જતુ જોવા મળી રહ્યું છે. ત્‍યારે એક વર્ષમાં કરવાનું થતુ કામ બે વર્ષ બાદ પણ કોઈ સાંભળતું ના હતુ અને ઉગ્ર આંદોલન બાદ થતુ હોય ત્‍યારે ગુજરાતની ગતિશીલ ડબલ એન્‍જીનની સરકાર આ કામ સાથે જોડાયેલા અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટર સામે કોઈ પગલાં ભરશે કે તેને છાવરશે ? તે તો આવનારો સમય જ બતાવશે.

(11:26 am IST)