Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અમેરિકામાં કચ્‍છના વિદ્યાર્થીની હત્‍યા : કોરિયન રૂમ પાર્ટનર વિદ્યાર્થીએ જ હત્‍યા કરી

મૃતક વરૂણ છેડા મૂળ કચ્‍છના મુન્‍દ્રા તાલુકાના કુંદરોડી ગામનોઃ વર્ષોથી તેનો પરિવાર અમેરિકાના ઇન્‍ડિયાનામાં રહે છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ : અમેરિકાની પર્ડયુ યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા અને હોસ્‍ટેલમાં રહેતાં મૂળ ગુજરાત કચ્‍છના વિદ્યાર્થી વરૂણ મનીષ છેડાની તેના રૂમ પાર્ટનર દ્વારા હત્‍યા કરાયાના બનાવે વિદેશમાં રહી અભ્‍યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોમાં ચિંતાની લાગણી સર્જી છે.

૨૦ વર્ષીય વરૂણ ડેટા સાયન્‍સનો અભ્‍યાસ કરતો હતો તેને તેના કોરિયન સાથી રૂમ પાર્ટનર દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. ડબ્‍લ્‍યુટીએચઆર અનુસાર પર્ડયુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્‍લી વિટેએ શંકાસ્‍પદની ઓળખ ૨૨ વર્ષીય જી મીન શા તરીકે કરી છે, જે સાયબર સુરક્ષાનો અભ્‍યાસ કરી રહ્યો છે. પોલીસે જણાવ્‍યું કે શા કોરિયાનો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે. તે મૃતક વરૂણ છેડા સાથે હોસ્‍ટેલમાં રૂમ પાર્ટનર હતો.

મૃતક વરૂણના દાદા નેમજીભાઈ રામજી છેડાનો પરિવાર મૂળ ગુજરાતના મુન્‍દ્રા તાલુકાના કુંદરોડી ગામનો છે અને વર્ષોથી તેના પિતા મનીષ નેમજીભાઇ છેડા અમેરિકાના ઇન્‍ડિયાનામાં સ્‍થાયી થયા છે.

(10:54 am IST)