Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા છવાતા ખેડૂતોમાં ચિંતા

ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્‍ટો આવતા અનેક જગ્‍યાએ ઝાપટા વરસ્‍યાઃ વહેલી સવારે ઠંડક

પ્રથમ તસ્‍વીરમાં કાલે રાત્રીના આટકોટમાં વરસાદી ઝાપટા વરસ્‍યા તે તથા બીજી તસ્‍વીરમાં ગોંડલમાં સવારથી છવાયેલા વાદળો નજરે પડે છે. (તસ્‍વીરઃ કરશન બામટા (આટકોટ) ભાવેશ ભોજાણી (ગોંડલ)

રાજકોટ તા. ૭: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળા છવાતા ખેડૂતોમાં ચિંંતા પ્રસરી ગઇ છે ગઇકાલ સાંજથી વાતાવરણમાં પલ્‍ટો આવતા અનેક જગ્‍યાએ ઝાપટા વરસ્‍યા હતા અને વહેલી સવારે ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે.

રાજકોટમાં છેલ્લા એક અઠવાડીયાથી દિવસભર ઉનાળા જેવો તડકો પડી રહ્યો હતો. જેને કારણે લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા હતા. દરમિયાન ગુરૂવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યા બાદ વરસાદ વરસ્‍યો હતો. જો કે આ સતત બદલતા વાતાવરણને કારણે લોકોમાં શરદી, ઉધરસ, તાવ સહિતના રોગોનો ફેલાવો વધ્‍યો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લાના જાફરાબાદના ગ્રામ્‍ય વિસ્‍તારો વહેરા, કડીયાળી, ઘેસપુર, સોખડા, બલાણા સહિતના ગામડાઓમાં અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્‍યો હતો. કપાસ, જુવાર, તલ સહિતના પાકને નુકશાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્‍મી છે.

હવામાન ખાતાના જણાવ્‍યા મુજબ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશના દરિયાકિનારા નજીક સર્જાયેલી લો પ્રેશર સિસ્‍ટમના ભાગ રૂપે સૌરાષ્‍ટ્રના કેટલાક વિસ્‍તારોમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્‍યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ ૧૦ ઓકટોબર સુધી સૌરાષ્‍ટ્ર સહિત ગુજરાતમાં વરસાદ માહોલ રહેશે. સૌરાષ્‍ટ્રમાં સુરેન્‍દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ જિલ્લામાં વરસાદની સંભાવના વ્‍યકત કરવામાં આવી છે. સૌરાષ્‍ટ્રમાં સૌથી નીચું તાપમાન ઓખામાં ૩૦.ર ડિગ્રી નોંધાયું હતું. હજુ એક મહિનો દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો માહોલ રહેશે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ બંગાળના ઉપસાગરના ભાગોમાંથી આવતા પવનો પૂર્વ ભારત થઇ ગુજરાત તરફ આવતા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્‍યો છે. જયારે આગામી એક સપ્તાહ દરમિયાન જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્‍ચે છૂટો છવાયો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જિલ્લામાં પ્રથમ ૨ નોરતા ચોટીલા, લીંબડી, લખતરમાં વરસાદ બાદ જિલ્લામાં વરસાદ થયો નથી.

ત્‍યારે આગામી સપ્તાહ દરમિયાન રાજય ભરમાં અને અને સૌરાષ્ટ્ર વિભાગમાં વરસાદી વાતાવરણ રહેવા સાથે છુટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.આમ અચાનક વાદળછાયા વાતાવરણથી ઠંડક પ્રસરતા ગરમીથીત્રસ્‍ત લોકોને આંશીક રાહત મળી હતી. અત્‍યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ ચુડા ૧૧૬.૨૧ ટકા તાલુકામાં અને સૌથી ઓછો ૭૨.૪૮ ટકા મૂળી તાલુકામાં વરસાદ થયો છે. જિલ્લામાં ૮ ૭.૫૩ ટકા વરસાદ થઇ ગયો છે. પવનની ગતિ, ભેજમાં વધારો થશેજિલ્લામાં આગામી ૧ સપ્તાહ સુધી વાતાવરણ વરસાદી રહેવા સાથે છૂટોછવાયો વરસાદની આગાહી છે. ત્‍યારે ગરમીનું તાપમાનનો પારો ૨૪થી ૩૬ ડિગ્રી રહેવાની આગાહી છે. દરમિયાન હવાની ગતિ ૧૦ કિમીથી ૧૮ કિમી સુધી વધવા, હવામાં ભેજનુ પ્રમાણ ૬૦થી ૭૦ સુધી પહોંચવાની શક્‍યતાઓ હવામાન વિભાગે જાહેર કરી છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : સોરઠમાં આજે સતત બીજા દિવસે પણ વાદળીયુ વાતાવરણ રહેતા વરસાદની શકયતા વધી ગઇ છે.

સાયકલોન સરકયુલેશનનાં કારણે ગઇ કાલથી વાતાવરણમાં આવેલ પલટો આજે પણ યથાવત રહ્યો છે. સવારના આકાશમાં વાદળા છવાય જતા સુર્યનારાયણના દર્શન થઇ શકયા ન હતા.

સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૬ ટકા રહેતા વહેલી સવારે ઠંડક પ્રસરી ગઇ હતી. પરંતુ લઘુતમ તાપમાન ૨૪ ટકા રહેતા સવારથી બફારો અને ઉકળાટ વધ્‍યા છે. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૫ કિ.મી.ની રહી હતી.

(11:38 am IST)