Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

દરરોજ આશરે ૩પ બેરલ બનાવટી દૂધ કેશોદ વાસીઓના પેટમાં જાય છે

મંગલપુર દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ દ્વારા રજૂઆત

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૭ :.. દર ચોવીસ કલાક દરમિયાન આશરે ૩પ બેરલ બનાવટી દૂધ આ વિસ્તારની જનતાના પેટમાં શુધ્ધ અને આરોગ્યલક્ષી દૂધના નામે જાય છે. આ દૂધમાં રાસાયણીક પદાર્થો ભેળવી બનાવવામાં આવે છે અને આ ગોરખ ધંધો વહીવટી તંત્રની સીધી મહેરબાનીથી ચાલતો હોવાનો આક્ષેપ મંગલપૂર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખે લેખિતમાં કર્યો છે.

સ્થાનિક કેશોદથી બાર કિલો મીટર દૂર આવેલ તાલુકાની મંગલપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ વિક્રમભાઇ રામભાઇ જીલડીયાએ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા ફુડ વિભાગ તેમજ અન્ય સબંધકર્તા સત્તાવાળાઓને લેખિતમાં જણાવ્યું છે કે આ વિસ્તારના ગાય-ભેંસની સંખ્યામાં પ્રમાણમાં દૂધનું ઉત્પાદન અનેકગણુ વધી ગયું છે. આવુ દૂધ અલગ-અલગ પ્રકારના રાસાયણીક પદાર્થો ભેળવી બનાવવામાં આવે છે અને વહીવટી તંત્રની મીઠી નજર નીચે તેનો ખુલ્લે આમ કોઇપણ જાતના ભય વગર વેપાર થાય છે અને તેનો આંકડો દરરોજનો સાતેક હજાર લીટરનો થાય છે.

આ સ્થિતિના કારણે અમુક સમય પછી આવુ દૂધ પીનારા લોકો અલગ-અલગ પ્રકારની બિમારીઓનો ભોગ બને છે અને આ બિમારી માનવીના આરોગ્ય માટે અતિ ગંભીર હોય છે બીજા શબ્દોમાં કહીએ તો આ દૂધનો દરરોજનો વેપાર ૩ લાખ પ૦ હજારનો આ વિસ્તારમાં થાય છે. અને તેને રોકનાર કોઇ નથી. સૌ આ હકિકત જાણે છે જોવે છે છતાં મૌન છે.

દૂધનો આ કાળો કારોબાર રોકવા અને સામાન્ય જનતાનુ આરોગ્ય જાળવી રાખવા માટે સબંધકર્તા સત્તાવાળાઓને વિક્રમભાઇ જીલડીયાએ આ અગાઉ પણ પત્ર લખી માગણી કરી હતી. પરંતુ લાંબો સમય થવા  છતાં કોઇ કાર્યવાહી નહિ થતા ફરી વખત પત્ર લખી આ માગણી કરી છે.

તાજેતરના દશેરા દરમિયાન આ વિસ્તારમાં હજારો કિલો દૂધની બનાવટની મીઠાઇનું વહેચાણ થયુ આમાંથી મોટા ભાગની મીઠાઇ બહારગામથી વહેચાણ માટે આવી હતી ત્યારે એવી પણ માન્યતા દૃઢ બને છે કે દશેરા અગાઉ આ ધંધો પુરજોશમાં ચાલે છે. નહિતર દશેરાથી મીઠાઇ માટે આટલુ વધારાનું દૂધ મળે કયાંથી ? દૂધ આપતા ગાય અને ભેંસ તો જે સંખ્યામાં હતા એ જ હતાં.

(1:37 pm IST)