Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જૂનાગઢ ઉપલા દાતાર ઉર્ષમાં અમૂલ્ય આભૂષણોની ચંદનવિધિ

મહંત પૂ. ભીમબાપુના હસ્તે ધાર્મિક વિધી : મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા : દર્શન, પૂજન, ભોજનનો લાભ લેતા ભકતજનો

જૂનાગઢના દાતાર ઉર્ષમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા અને દર્શન, પૂજન, પ્રસાદનો લાભ લીધો હતો. ઉપરોકત તસ્વીરમાં આભૂષણોની ચંદનવિધિ કરતા અને અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીને આશિર્વાદ આપતા પૂ. ભીમબાપુ નજરે પડે છે.  (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૭ : કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો હતો. જેમાં દાતારબાપુના અલભ્ય અને અમૂલ્ય આભૂષણોની ચંદનવિધિ મહંત પૂ. ભીમબાપુના હસ્તે કરવામાં આવેલ. ઉર્ષ દરમિયાન દાતારબાપુના અમૂલ્ય આભૂષણો વર્ષમાં એકવાર બહાર કાઢી તેને ગુલાબજળ અને ગંગાજળથી સ્નાન કરાવી તેના પર ચંદન લગાડવામાં આવેલ છે અને લોકોના દર્શનાર્થે મુકવામાં આવે છે ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. બાદમાં આ આભૂષણોને ગુફામાં પરત મુકવામાં આવે છે. આ ઉર્ષ દરમિયાન આવનાર પ્રત્યેક દાતાર ભકતો માટે લાડવા, ભજીયા, મોહનથાળ, મીઠી ખાજલીના સાટા, દાત-ભાત, શાક - રોટલી ૨૪ કલાક અવિરત પીરસવામાં આવતા હતા.  રવિવારના રોજ ઉર્ષની પૂર્ણાહુતી થનાર છે.

જુનાગઢઙ્ગ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા જમીયલશા દાતાર બાપુની જગ્યામાં ઉર્ષ મહાપર્વ ઉર્સના મેળાનો આજથી મંગળ પ્રારંભ થયો હતો. જેમાં દાતાર બાપુની ગુફામાં રહેલા દાતાર બાપુ જે આભૂષણો ધારણ કરતા હતા તે આભૂષણો વર્ષમાં એક જ વખત લોકોને દર્શન માટે ગુફામાંથી બહાર લાવવામાં આવે છે. જેમાં પવનપાવડી, પોખરાજ, ઘોડી અને કાનના કુંડળ એવા આભૂષણોનો સમાવેશ થાય છે. ગુરૃવારના રોજ પ્રથમ દિવસે દાતાર બાપુની ગુફામાં રહેલા અતિ અમૂલ્ય તેમજ પવિત્ર આભૂષણો જેવા કે પવન પાવડી, માણેક, પોખરાજ, દાતાર બાપુના કાન ના કુંડળ જેવા આભૂષણો કે જે વર્ષ માં એકજવાર બહાર કાઢવામાં આવે છે, અને તેની સ્નાન વિધિ અને પૂજન અર્ચન કરવામાં આવે છે, એ આભૂષણોની વિદ્વાન બ્રાહ્મણો ના મંત્રોચાર તેમજ પવિત્ર દ્રવ્યો જેવાકે ગંગાજલ , ગુલાબજળ, ગાયનું દૂધ અત્તર વગેરેથી દાતારબાપુની જગ્યાના ટેલીયાઓ ( સેવકો) તેમજ જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા સ્નાન વિધિ તેમજ ત્યાર બાદ તેમને પધારેલ ભાવિકજનો માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા, ત્યારબાદ આ આભૂષણોને પવિત્ર ચંદનનો લેપ કરી પરંપરા પ્રમાણે ગુફામાંઙ્ગ પરત પધરાવી દેવા આવે છે. આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત સેવકગણ તેમજ ભકતજનોએ આભૂષણોના દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્ય બન્યા હતા.

(2:07 pm IST)