Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કચ્છમા સેવાકીય કાર્યો દ્વારા અદાણી ગ્રુપના એકઝીક્યુટીવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ ના જન્મદિનની ઉજવણી

અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ વિભાગ ના વડા સૌરભભાઈ શાહની ઉપસ્થિતમાં જન સેવા સંસ્થા દ્વારા મુન્દ્રા મધ્યે ગરીબ પરિવારો માટે રાશન કીટ, ધાબળાનું વિતરણ, સ્લમ એરિયાના બાળકોને ભોજન કરાવાયું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: મુન્દ્રાને વૈશ્વિક સ્તરે ખાનગી બંદર દ્વારા દરિયાઈ વ્યાપાર ક્ષેત્રે પ્રસિદ્ધિ અપાવી દેશ વિદેશના ઓદ્યોગિક જગતમાં કીર્તિમાન અંકિત કરનાર અદાણી ગ્રુપ કર્મભૂમિ કચ્છ જિલ્લામાં સામાજિક સેવાકીય ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી રહ્યું છે. અદાણી ગ્રુપના યુવાન એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિતભાઇ શાહના જન્મ દિનની ઉજવણી મુન્દ્રા મધ્યે સેવાકીય કાર્યો સાથે કરાઈ હતી. આ પ્રસંગે જન સેવા સંસ્થાના માધ્યમથી હાથ ધરાયેલા સેવાકીય કાર્યો વિશે "અકિલા"ને માહિતી આપતાં સંસ્થાના મુખ્ય સૂત્રધાર અને સેવાભાવી પત્રકાર રાજ સંઘવીએ  જણાવ્યું હતું કે, કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ, જરૂરતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ અને સ્લમ વિસ્તારના બાળકોને ભોજન કરાવાયુ હતું. ગઈ કાલે પ્રથમ તબક્કા માં અદાણી ગ્રુપ ના કોર્પોરેટ અફેર્સ વિભાગ ના વડા સૌરભભાઈ શાહના હસ્તે ગરમ ધાબળા નું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ હવે પછી વિવિધ વસાહતોમાં જરૂરતમંદ લોકો ને વધુ ધાબળાઓનું વિતરણ કરાશે.
છેલ્લા થોડા દિવસો થી કમોસમી વરસાદ અને ઠંડી ના સુસવાટા વચ્ચે આ ગરમ ધાબળા લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. આ સાથે જ જરૂરતમંદ પરિવારોને રાશન કીટ વિતરણ પણ કરાયું હતું. માનવીય સંવેદના સાથેના આ સેવાકાર્યમાં અદાણી ગ્રુપના કોર્પોરેટ અફેર્સ વિભાગના વડા સૌરભ શાહ સાથે રમેશ આયડી જોડાયા હતા અને જાતે ધાબળા વિતરણ તેમ જ રાશન કીટ વિતરણ કર્યું હતું. સાથે સાથે સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને મીઠાઈ યુક્ત ભાવતું ભોજન જમાડ્યું હતું. સામાજિક જાગૃતિના ભાગ રૂપે આ પરિવારોને કોરોનાથી બચવા માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવાની સમજ અપાઈ હતી.
સંસ્થા ના રાજ સંઘવી એ જણાવ્યું હતું કે, મુન્દ્રામાં સેવાકીય યજ્ઞ માટે રક્ષિતભાઈનો  સતત સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. દિન દુઃખિયાઓની સેવા માટે તેમના દ્વારા સંસ્થાને વાહન અર્પણ કરાયું છે. જન્મદિન પ્રસંગે હાથ ધરાયેલ સેવાકીય પ્રવૃત્તિ માં સંસ્થા ના રાજ સંઘવી, કપિલ ચોપડા, અસલમ માંજોઠી, દેવજી જોગી અને ભીમજી જોગી એ સહયોગ આપ્યો હતો.

(10:08 am IST)