Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગોંડલ ચોકડી શિવ હોટેલ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળીઃ ઇજાના નિશાનઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

છાતીમાં ડાબી બાજુ અંગ્રેજીમાં ‘બી.વી.’ ત્રોફાવેલું: કાળુ પેન્ટ-કાળો શર્ટ પહેર્યા છેઃ ઓળખ મેળવવા આજીડેમ પોલીસની તપાસ

રાજકોટ તા. ૮: શહેરની ગોંડલ રોડ ચોકડીથી આગળ શિવ હોટેલ નજીકથી રાત્રીના અજાણ્યા આશરે ૩૫ વર્ષના યુવાનની લાશ મળી આવતાં ચર્ચા જાગી છે. મૃત્યુ પામનારને પીઠ-વાંસાના ભાગે છોલાણ જેવી અને બીજી ઇજાના નિશાન હોઇ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમાર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પંચનામા બાદ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. મૃતક યુવાનની ઉંમર આશરે ૩૫ વર્ષ જેટલી જણાય છે. તેણે કાળુ પેન્ટ અને કાળો શર્ટ પહેર્યો છે. પરપ્રાંતિય જેવો લાગે છે. છાતી પર ડાબી બાજુએ અંગ્રેજીમાં ‘બી.વી.’ ત્રોફાવેલું છે. આ સિવાય ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી.   મૃતકની પીઠ અને વાંસામાં ચાંભા જેવી ઇજાના નિશાન છે. આ ઇજાઓ ઢસડાવાથી થઇ છે કે બીજી કોઇ રીતે? તે જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું છે.
તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉંપર સંપર્ક કરવા જણાવાયું છે.

 

(3:47 pm IST)