Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કુવાડવાના મઘરવાડા રોડ પર મધરાતે વાડીમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જૂગાર રમતાં ૮ પકડાયા

ગોરધનભાઇ ડોબરીયાની વાડીના ભાગીયા મુકેશ પરમારે ઓરડીમાં જૂગારધામ ચાલુ કર્યુ’તું: રાજકોટથી પત્તાપ્રેમીઓ રમવા પહોંચ્યા હતાં: વાહનનો અવાજ ન આવે એ માટે પોલીસ દોઢ કિ.મી. ચાલીને પહોંચી : એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમા પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૮: કુવાડવા ગામમાં મઘરવાડા રોડ તરફ જતાં રસ્તા પર આવેલી ગોરધનભાઇ ભગવાનભાઇ ડોબરીયાની વાડી ભાગમાં વાવવા રાખનાર ભાગીયા મુકેશ પરબતભાઇ પરમારે વાડીની ઓરડીમાં જૂગારધામ ચાલુ કર્યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે મોડી રાતે દરોડો પાડીર ાજકોટથી રમવા પહોંચેલા ૭ પત્તાપ્રેમીઓ ને પકડી લઇ રોકડ-ગંજીપાના કબ્જે કર્યા હતાં. મુકેશ હાજર ન હોઇ તેની ધરપકડ બાકી છે.
ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ જયેશભાઇ નિમાવત અને કોન્સ. જયદિપસિંહ બોરાણાને બાતમી મળતાં વાડીમાં દરોડો પાડી રાજેશગીરી માધવગીરી ગોસ્વામી (ઉં.૪૨-રહે. સંત કબીર રોડ શક્તિ સોસાયટી-૧૦), ઇશરાજ ઉંર્ફ ઇર્શાદ રજાકમિયા કાદરી (ઉં.૨૭-રહે. રૈયા રોડ શિવપરા-૭, બ્રહ્મસમાજ પાસે), અતુલ રતિલાલ ઠકરાર (ઉં.૬૨-રહે. શકુંતલ બિલ્ડીંગ, પહેલો માળ, ન્યુ જાગનાથ પ્લોટ ઇમ્પિરિયલ પાછળ), જયેશ નવલશંકર પંડ્યા (ઉં.૪૩-રહે. વીર સાવરકર એપર્ટમેન્ટ બી-૧૨ રેલનગર), જીતેન્દ્ર લીંબાભાઇ આટકોટીયા (ઉં.૩૭-રહે. મનહર સોસાયટી-૮, યાર્ડ પાછળ) તથા બટુક ભીખુભાઇ રાઠોડ (ઉં.૪૬-રહે. વિનાયકનગર-૧૬, દોશી હોસ્પિટલ પાસે)ને તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૭૫૦૦ રોકડા કબ્જે લીધા હતાં. દરોડો પડ્યો ત્યારે મુકેશ હાજર ન હોઇ તેની શોધખોળ હાથ ધરાઇ છે.
જૂગારની બાતમી મળી હોઇ પોલીસ સ્થળ સુધી વાહન લઇને જાય તો અવાજને કારણે આરોપીઓ ભાગી જાય તેમ હોઇ પોલીસ વાહન દૂર રાખી મોડી રાતે દોઢેક કિ.મી. ચાલીને જૂગારના સ્થળ સુધી પહોંચી હતી અને દરોડો પાડ્યો હતો. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ, રાજદિપસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શક્તિસિંહ ગોહિલ, કુલદિપસિંહ જાડેજાએ દરોડો પાડ્યો હતો.
પકડાયેલા સાતમાંથી રાજેશગીરી, ઇર્શાદ, અતુલ, દેવશી અને બટુક અગાઉં પણ જૂગાર રમતાં પકડાઇ ચુક્યાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું. વાડી માલિક ગોરધનભાઇની પણ જૂગારધામ મામલે પોલીસ પુછતાછ કરશે.

 

(11:34 am IST)