Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જૂનાગઢ જિલ્લામાં શાળાએ ના ગયેલા અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધેલ ૬ થી ૧૮ વર્ષના બાળકોને શોધવાનો સર્વે હાથ ધરાશે

જૂનાગઢ,તા. ૮ ઃ રાઈટ ટુ એજયુકેશન એકટ ૨૦૦૯ ની જોગવાઈ મુજબ ૬ થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જે બાળકો કદી શાળાએ ગયેલ નથી કે અધવચ્ચેથી શાળા છોડી દિધેલ છે, તેવા બાળકોનું નજીકની શાળામાં વયકક્ષા મુજબ ક્ષમતા સિધ્ધ થાય તે માટે નિશ્ચિત સમયગાળા માટે સ્પેશિયલ ટ્રેનિંગ મેળવવાનો અધિકાર છે.

આ અંતર્ગત જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર આર.એસ.ઉપાધ્યાય સાહેબના માર્ગદર્શન અને રાહબરી હેઠળ 'જય સોરઠ જય શિક્ષણ'ના સુત્રને સાર્થક કરવાના ઉદેશ્યથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શાળા બહારના બાળકોને શોધીને શાળામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં દાખલ કરાવવા માટેની સર્વેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત ૬ થી ૧૮ વર્ષના કદી શાળાએ ના ગયેલા હોઈ અથવા તો અધવચ્ચેથી શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના તમામ બાળકોને શોધવા માટેનો સર્વે પ્રોગ્રામ ૩૧/૦૧/૨૦૨૨ સુધી હાથ ધરવામાં આવશે. એક મહિના સુધી ચાલનારા આ સર્વેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, બાળમિત્રો, સ્વેચ્છિક સંગઠનો, કોલેજો, એન.એસ.એસ., એન.સી.સી. અને અન્ય સરકારી વિભાગો પણ જોડાશે. જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ખાસ કરીને અર્બન, સ્લમ, પછાત એરિયામાં ફોકસ કરવામાં આવશે, તેમજ રિમાંડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વેચ્છિક સંસ્થાના વર્ગોમાં આવરી લીધેલ બાળકો, ઝુપડપટ્ટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, કન્ટ્રકશન સાઈટ, કોઈપણ પ્રકારની મજુરી માટે આવેલ પરિવારો વસતા હોઈ તેમના બાળકો, સિનેમાઘરોની આસપાસના વિસ્તારોમાં સર્વે હાથ ધરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં દરિયા કિનારા વિસ્તાર, જંગલના અંતરિયાળ નેસ વિસ્તાર, અગરિયા વિસ્તાર વગેરે વિસ્તારના તમામ બાળકોને આ સર્વે પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે.

આ સમગ્ર સર્વે પ્રક્રિયાનું  ક્રોસ વેરીફિકેશન અને મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે. જેમાં જિલ્લા અને તાલુકાના સમગ્ર પ્રોજેકટ સ્ટાફને આ  જવાબદારી સોપવામાં આવેલ છે.

ઉપરોકત વિસ્તારો પૈકીના કોઈપણ વિસ્તારોમાં ૬ થી ૧૮ વર્ષની વયજૂથના કદી શાળાએ ના ગયેલા હોઈ અથવા તો અધવચ્ચેથી શાળા છોડી દીધેલા દિવ્યાંગ સહિતના તમામ શાળા બહારના બાળકો કે જેઓ કોઈપણ કારણોસર શાળાએ જઈ શકેલ નથી  તે બાબતની જાણ થાય તો નજીકની સરકારી પ્રાથમિક શાળા અથવા તો તાલુકાના બી.આર.સી. ભવનમાં સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

(1:12 pm IST)