Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પીજીવીસીએલમાં કલાર્કની નોકરીની લાલચમાં રૂા. ૧૦ લાખ ગુમાવ્‍યા

માણાવદરનાં કોડવાવનાં બે શખ્‍સો સામે વિશ્વાસઘાતની ફરીયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૮:  પીજીવીસીએલમાં કલાર્કની નોકરીની લાલચ આપી માણવદરનાં કોડવાનનાં બે શખ્‍સોએ રૂા. ૧૦ લાખનો વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરીયાદ થઇ હતી.
આ અંગેની વિગતો એવી છે કે માણાવદર તાલુકાના બાંટવા પોલીસ મથક હેઠળનાં કોડવાવ ગામના વતની અને હાલ માણાવદર ખાતે રહેતા રસીકભાઇ ડાયાભાઇ ભીમાણી (ઉ.વ.પ૪) ને કોડવાવનો મિતલ ધીરૂભાઇ કુંડારીયા અને તેના પિતા ધીરૂભાઇ બાબુ કુંડારીયાએ વિશ્વાસમાં લઇ ધીરૂભાઇએ રસીકભાઇને તેમ પુત્રવધુને પીજીવીસીએલમાં કલાર્કની નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી.
બાદમાં રસીકભાઇએ ધીરૂભાઇનાં વિશ્વાસે તેમના દિકરા મિતલને નોકરીનાં સેટીંગ માટે રૂા. ૧૦ લાખ આપ્‍યા હતા.  જેની સામે મિતલે સિકયુરીટી પેટે રૂા. ૧૦ લાખનો ચેક લખી આપ્‍યો હતો.
પરંતુ પુત્રવધુને નોકરી નહિ અપાવતાં રસીક ભીમાણીએ રૂા. ૧૦ લાખ પરત કરવા જણાવેલ પરંતુ પુત્રએ નાણા પરત કરેલ નહી અને ઉલ્‍ટાનું મિતલ કુંડારીયાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ અંગે રસીકભાઇએ ફરીયાદ કરતા બાંટવા પોલીસે પિતા-પુત્ર વિરૂધ્‍ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

 

(1:46 pm IST)