Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાન સર્વે કરવા કોંગ્રેસ દ્વારા રજુઆત

પોરબંદર તા.૮ : જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીને નુકસાનીનો તાત્‍કાલીક સર્વે કરીને નકકર કામગીરી કરવા કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયાએ કૃષિ મંત્રીને રજુઆત કરી છે.
કોંગ્રેસના આગેવાન રામદેભાઇ મોઢવાડીયાએ કૃષીમંત્રી રાઘવજીભાઇ પટેલને રજુઆતમાં જણાવ્‍યું છે કે, શુક્રવારે સવારે શિયાળાની કડકડતી ઠંડીની સાથો સાથ પોરબંદર જિલ્લામાં અચાનક જ કમોસમી વરસાદ વરસવા લાગ્‍યો હતો. જેના કારણે ઘેડ અને બરડા  પંથકના ખેડુતોને કરોડો રૂપિયાનું નુકસાન થયુ છે.તેમણે જણાવ્‍યું હતું કે બરડા અને ઘેડ પંથકમાં ખેડુતોએ ચણા, ધાણા, કપાસ અને જીરૂ સહિતના પાકોનું વાવેતર કર્યુ હતુ. પરંતુ માવઠુ વરસતા આ પાક નિષ્‍ફળ ગયો છે. ધાણા અને જીરૂમાં આમ પણ રોગચાળો ફેલાયો છે ત્‍યારે હવે અચાનક વધુ વરસાદ વરસવાના કારણે આ પાકને વધારે નુકસાન થયુ છે અને તેમને રોકાણ કર્યુ એટલી રકમ પણ ઉપજે તેવું જણાતુ નથી.
સરકારે માત્ર વાતો કરીને હૈયાધારણા આપવાને બદલે નકકર કામગીરી હાથ ધરવી જોઇએ. તાત્‍કાલીક સર્વેની કાગમીરી કરવી જોઇએ અને ખેડુતોને થયેલ નુકસાની અંગે સર્વે હાથ ધર્યા બાદ વળતર ચુકવવાની કાર્યવાહી કરવી જોઇએ. તેમણે ઉમેર્યુ હતું કે ખેડુતોના અમુક પાક તૈયાર થઇ ગયા હતા અને તેના ઉપર વરસાદ વરસતા આપાકનો સફાયો થઇ ગયો છે. પોરબંદર જિલ્લામાં અનેક ખેડુતોએ વ્‍યાજે અને ઉછીના નાણા લઇને પાકનું વાવેતર કર્યુ હતુ. મોંઘા બિયારણ અને જંતુનાશક દવાઓ છાંટી છાંટીને મહામહેનતે પાક તૈયાર કર્યો હતો. તેમ રજુઅતમાં જણાવેલ છે.


 

(1:52 pm IST)