Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમરેલી જિલ્લાની કોવિડ-૧૯ની હાલની પરિસ્‍થિતિ અંગે સમીક્ષા બેઠક મળી

અમરેલી, તા.૮: જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ કુમારએ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની હાલની પરિસ્‍થિતિ અંગે ખાસ સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને ચીફ ઓફિસરશ્રીઓ વીડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જોડાયા હતા.
પ્રભારી સચિવશ્રીએ જણાવ્‍યું હતું કે હાલ કોવિડ-૧૯ ની પરિસ્‍થિતિને લઈને લોકો ફરી માસ્‍ક, સેનીટાઈઝેશન અને સોશ્‍યલ ડિસ્‍ટનસિંગના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરે તે અત્‍યંત જરૂરી છે. આ ઉપરાંત તેઓએ જિલ્લામાં મેડિકલ સંસાધનોની ઉપલબ્‍ધતા, વેક્‍સીનેશન, વધતા કોરોના કેસો, ઓક્‍સિજનની વ્‍યવસ્‍થા, પ્રાઈવેટ મેડિકલ પ્રેક્‍ટિશનરોને તાલીમ, ધન્‍વંતરી રથોની કામગીરી, કન્‍ટેનમેન્‍ટ ઝોન, ગ્રામીણ અને શહેરી સ્‍તરે ટેસ્‍ટિંગ અને ટ્રીટમેન્‍ટની વ્‍યવસ્‍થા, પીડિયાટ્રિક બેડની વ્‍યવસ્‍થા જેવા વિવિધ વિષયો ઉપર વિસ્‍તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
ડબલ વેક્‍સીનેટેડ લોકોને લાગતા કોરોના સંક્રમણ અંગે માહિતી આપતા પ્રભારી સચિવશ્રીએ જણાવ્‍યું હતું કે દ્યણા ડબલ વેક્‍સીનેટેડ લોકોને કોરોનાનું સંક્રમણ લાગે છે ત્‍યારે જે લોકોએ વેક્‍સીન નથી લીધી એવા લોકોની સરખામણીએ વેક્‍સીનેટેડ લોકો જલ્‍દી સાજા થાય અને કોઈ અતિ ગંભીર લક્ષણો જણાતા નથી.
બેઠકમાં જિલ્લા કલેક્‍ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, અધિક કલેક્‍ટર આર. વી. વાળા, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી પટેલ સહિતના તમામ આરોગ્‍ય વિભાગના અધિકારીઓ તેમજ વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જિલ્લાના દરેક તાલુકા મથકોએથી તંત્રના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા.

 

(1:55 pm IST)