Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભાવનગર જીલ્લામાંથી ‘માય મની સોલ્‍યુશન' કંપનીના ડિરેક્‍ટરો હજારો લોકોને ભોળવીને કરોડો રૂપિયા લઇને ફરારઃ ભાવનગર, જુનાગઢ, મહેસાણા, પાલપુરમાંથી 800 કરોડ લઇને નાશી છૂટતા શોધખોળ

ભાવનગર: લોભિયા નું ધન ઘુતારા ખાય તે કહેવત ભાવનગરમાં સાર્થક થઇ છે, "MMS" માય મની સોલ્યુશન નામની કંપનીના ડિરેક્ટરો જિલ્લાભરના હજ્જારો લોકોને ભોળવી કરોડો રૂપિયા લઇ ફરાર થઈ ગયા છે. છેલ્લા ૬ વર્ષથી લોકો પાસેથી રોકાણના નામે રૂપિયા એકઠા કરી અને કંપનીના નામે અબજો રૂપિયા ભેગા કરી લીધા હતા. આ કંપની ગુજરાતના ભાવનગર ઉપરાંત જુનાગઢ, મહેસાણા અને પાલનપુર જેવા મોટા શહેરમાં પણ નવી નવી સ્કીમો આપી પૈસા ઉઘરાવતી હતી. અંદાજે ૮૦૦ કરોડ જેટલી મોટી રકમ સાથે આ કંપનીના ડિરેક્ટરો ફરાર બનતા રોકાણકરો ને રોવાનો વારો આવ્યો છે.

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ ઉપર MMS માય મની સોલ્યુશન નામની કંપની ખોલીને ત્રણ ડાયરેક્ટરોએ ભાવનગર શહેરના ૭ થી ૮ હજાર લોકોના કરોડો રૂપિયા વળતર પાછુ આપવાના બહાને રોકાણ કરાવ્યા હતા. મૂળ રકમ પણ પરત ન મળતા 300 થી વધુ રોકાણકારો કંપનીની ઓફિસે દોડી ગયા હતા. કંપનીના મુખ્ય ત્રણ ડાયરેક્ટર પૈકી ઇન્દ્રવિજયસિંહ ઉર્ફે બંટીભાઈનું અવસાન થયું છે. જ્યારે ભાવનગરમાં જ રહેતા અન્ય ડિરેક્ટરો પણ ફરાર થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષકને રજૂઆત કરી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે તેમ લોકોએ જણાવ્યું હતું. ભાવનગરમાં લોકો પાસેથી મીનીમમ ૫ લાખ જેટલી રકમનું રોકાણકારો પાસે રોકાણ કરાવીને તેની સામે સામાન્ય કહી શકાય તેવું વળતર દર મહીને આપતા હતા.  અને પુરતી રકમ પરત કરવા માટે લોકોને બહાના બતાવતા અને છેલ્લા કેટલાય દિવસથી ઓફિસોને તાળા મારી ત્રણ પૈકીના બે ડાયરેક્ટરો ફરાર થઇ ગયા હોય રોકાણકારો પોતાની રકમ પાછી મેળવવા પોલીસના શરણે દોડી ગયા હતા.

(5:21 pm IST)