Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મહાશિવરાત્રીમાં ઉમટતા ભાવિકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે પરામર્શ

કલેક્‍ટરશ્રી રચિત રાજની અધ્‍યક્ષત્તામાં સાધુ-સંતો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ

જૂનાગઢ તા.૮: મહાશિવરાત્રીના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્‍યારે મેળાના સૂચારૂ આયોજન અને લોકો માટે જરૂરી વ્‍યવસ્‍થાઓનું યોગ્‍ય સંકલન થઈ શકે તે માટે કલેક્‍ટરશ્રી રચિત રાજના અધ્‍યક્ષત્તામાં સાધુ-સંતો અને પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઇ હતી.

કલેક્‍ટર કચેરી ખાતે આ બેઠકમાં ભવનાથ તીર્થક્ષેત્રના હરીગીરીજી મહારાજ,ઇન્‍દ્રભારતી બાપુ, શૈલજાદેવીજી, મેયર શ્રીમતી ગીતાબેન પરમારસહિતના ગણમાન્‍ય સાધુ-સંતો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

કલેક્‍ટરશ્રી રચિત રાજે મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓની વિગતો આપી હતી. સાથે જ સાધુ-સંતોના આશીર્વાદથી શ્રેષ્ઠ મેળો યોજાશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

મહંતશ્રી હરીગીરીજી મહારાજે મહાશિવરાત્રીના મેળાની આધ્‍યાત્‍મિક ગરીમા જણાવતા કહ્યું કે,મહાશિવરાત્રીનો મેળો દરેક ભાવિક-ભક્‍તોનો મેળો છે,અને કાયમ માટે રહેવાનો છે. ત્‍યારે આ મેળામાં ભારતભરમાંથી લાખો શ્રધ્‍ધાળુઓ પધારવાના છે. જેથી કોઇ અવ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે તકેદારીઓ રાખવી અવશ્‍યક છે. આ સાથે તેમણે કેટલીક મૂળભૂત સુવિધાઓ માટે જરૂરી સૂચનો કર્યા હતા. જેથી મેળા દરમિયાન ભાવિકોને કોઇ મુશ્‍કેલીઓનો સામનો ન કરવો પડે.

આમ,આ બેઠકમાં સફાઈ,ટ્રાફિક,સુરક્ષા,ઉતારા મંડળની વ્‍યવસ્‍થાઓ સહિતના મુદ્દે પરામર્શ કરવામાં આવ્‍યો હતો.

આ બેઠકમાં ડેપ્‍યુટી મેયર ગિરીશભાઈ કોટેચા,સ્‍ટેન્‍ડીંગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા,નગરસેવક  એભાભાઈ કટારા,અગ્રણી પુનિતભાઈ શર્મા,યોગી પઢીયાર,ભાવેશભાઈ વેકરિયા,મહાનગરપાલિકાના કમિશનર રાજેશ તન્ના,જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ,જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી એલ.બી.બાંભણિયા, પ્રાંત અધિકારીશ્રી ભૂમિ કેશવાલાસહિતના સંતો-મહંતો,પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:13 pm IST)