Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ભાવનગરના ઘોઘા દરિયાકાંઠાથી 14 કિ.મી. દૂર ખંભાતની ખાડીમાં આવેલ પીરમબેટ ટાપુની સુંદરતા વધારાય તો નવુ પર્યટન સ્‍થળ મળે

આસપાસ 50થી વધુ પ્રકારના જળચર જીવો-પક્ષીઓનો વસવાટ

ભાવનગરઃ ભાવનગર પાસે આવેલ પીરમબેટ વિકસાવવામાં આવે તો મોટી સંખ્‍યામાં લોકો નવુ પર્યટન સ્‍થળ માણી શકે તેમ છે.

ભાવનગરમાં જોવાલાયક અને પ્રવાસન માટેનાં અનેક સ્થળો છે, જો કે ઘોઘા પાસે આવેલા પીરમ બેટની ચર્ચા ઘણી ઓછી થાય છે. દરિયાથી ઘેરાયેલી આ સુંદર જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ જોર પકડી રહી છે. ગુજરાતનાં દરિયાકાંઠે આવેલા વ્યુહાત્મક રીતે અગત્યનાં ટાપુઓમાંથી એક છે ભાવનગરનાં ઘોઘાથી 14 કિલોમીટર દૂર દરિયામાં આવલો પીરમ બેટ. જ્યાં કુદરતે મન મૂકીને સુંદરતા વરસાવી છે. આ જ કારણ છે કે આ ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માગ થઈ રહી છે. ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક આવેલા પીરમબેટ ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ કરી છે. અંગ્રેજોના સમયમાં આ ટાપુને પીરમબેટ નામ આપવામાં આવ્યું હતું. જે બદલીને તત્કાલિન શાસક વીર મોખડાજીનું નામ આપવાની રજૂઆત કરવામાં આવી છે. પીરમબેટમાંથી અનેક પુરાતન અવશેષો મળ્યા છે. અહીં દીવાદાંડી જેવા આકર્ષણો પર આવેલા છે. ટાપુની આજુબાજુમાં અનેક વિશિષ્ટ પ્રકારના જળચર જીવો અને પક્ષીઓ પણ જોવા મળે છે. જેથી આ ટાપુને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની માંગ છે. ત્યારે કેવી છે આ જગ્યા અને શું છે અહીંના પડકાર, જોઈએ આ અહેવાલમાં.

આ ટાપુ સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર હોવાથી ટાપુ સુધી આવવા માટે પણ મંજૂરી લેવી પડે છે. અહીં પહોંચવા માટે દરિયામાં ભરતી-ઓટના ચોક્કસ સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. મોટર બોટની એકાદ કલાકની રોમાંચક મુસાફરી કરીને ટાપુ પર પહોંચી શકાય છે. ટાપુની આસપાસ 50થી વધુ પ્રકારના જળચર જીવો અને વિવિધ જાતિના પક્ષીઓ જોવા મળે છે. ટાપુ પર જૂની મૂર્તિઓ અને નાશ પામેલી પ્રજાતિના અવશેષો પણ મળેલા છે. મૂર્તિઓ સાથેની દેરીઓ, દરગાહ અને તોપ પુરાતત્વીય વૈભવની સાક્ષી પૂરે છે. નાના કદનાં અને ચોક્કસ આકારનાં પથ્થર ટાપુનાં કાંઠાની સુંદરતા વધારે છે. ટાપુ પરની ભેખડો જોતાં જણાય છે કે એક સમયે અહીં દરિયા કે આંતરિક જળ વહેતા હશે..પક્ષી પ્રેમીઓ અહીં કેમ્પ પણ કરતાં હોય છે. ટાપુ પર લાઈટ હાઉસના સ્ટાફ પૂરતું જ બાંધકામ છે.

અંગ્રેજોએ ટાપુ પર 24 મીટર ઊંચી દીવાદાંડી બનાવી હતી, જે આજે પણ જોઈ શકાય છે. એક સમયે આ ટાપુ પર મીઠા પાણીનું તળાવ અને કૂવા હતા. લોકો અહીં વસવાટ કરતા હતા. ખેતી પણ થતી હતી, ટાપુ પાસેથી આવાગમન કરતા જહાજો પાસેથી કર પણ વસૂલવામાં આવતો હતો. જો કે કાળક્રમે તળાવ સુકાઈ ગયું અને કૂવાના પાણી ખારા થઈ જતાં માનવ વસવાટ ગાયબ થઈ ગયો, અને રહી ગયા માત્ર અવશેષ. અધિકારીઓનાં રહેવા માટે 100 વર્ષ પહેલાં બનાવેલા ક્વાર્ટર આજે પણ છે.

અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન આ ટાપુને પીરમબેટ ટાપુ નામ આપવામાં આવ્યું હતું. ભાવનગર રાજ્યના એક સમયનાં રાજવી વીર મોખડાજી ગોહિલે પીરમબેટને પોતાની રાજધાની બનાવી મોગલો સાથે લડાઈ કરી હતી અને એ લડાઈમાં તેઓ શહીદ થયા હતા. લોક વાયકા પ્રમાણે લડાઈ દરમિયાન મોગલોએ દગાખોરીથી ઘોઘામાં વીર મોખડાજીનું માથું કાપી નાખ્યું હતું, તેમ છતાં તેમનું ધડ લડતું લડતું અહીંથી 20 કિલોમીટર દૂર આવેલા ખદરપર સુધી જઈને પડ્યું હતું. આ જ કારણ છે કે ઘોઘા પાસે વીર મોખડાજીનું મસ્તક મંદિર અને ખદરપર ગામમાં તેમનું ધડ મંદિર બનાવવામાં આવેલું છે. સ્થાનિકોની માગ છે કે બેટનું નામ બદલીને વીર મોખડાજી બેટ કરવામાં આવે.

ખંભાતના અખાતમાં આવેલો પીરમ બેટ પ્રવાસીઓને આકર્ષે છે...જો કે અહીં આવવા માટે મંજૂરી લેવી પડે છે. પીરમબેટને હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાની માગ થઈ રહી છે. આ માટે સરકારનો સર્વે ચાલતો હોવાનું પણ જણાવાય છે. પીરમબેટ પર પ્રાથમિક સવલતો ઉભી કરી તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય છે. આ માટેનાં પડકાર દૂર કરવા જરૂરી છે.

(5:02 pm IST)