Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જુનાગઢ જિલ્લામાં રેકોર્ડ બ્રેક ૪૮ર કેસઃ ૭ દર્દીના મોત

ર૪ કલાકમાં રપ૦ કોવીડ દર્દી સ્વસ્થ થયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮ :.. જુનાગઢ જિલ્લામાં રેકોર્ડ બ્રેક ૪૮ર નવા કેસ નોંધાતા કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને ૭ પેશન્ટનાં મોત થતા અરેરાટી પ્રસરી ગઇ છે.

કોરોનાની બીજી લહેર જુનાગઢ જિલ્લા માટે ઘાતક પુરવાર થઇ છે. અને હવે શહેરી વિસ્તારોની સામે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનાં કેસ વધાતા ડેઇલી કેસમાં ભારે ઉછાળો આવ્યો છે.

જિલ્લામાં ગુરૂવારે ૪૪પ કેસ નોંધાયા બાદ શુક્રવારનાં રોજ કોરોનાનાં કેસ વધીને ૪૮ર નોંધાયા હતાં. એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવતા સંક્રમણની રફતારમાં ભયજનક રીતે વધારો થયો છે.

જુનાગઢ શહેરમાં અચરજ રીતે ર૪ કલાકમાં કેસનો આંશિક ઘટાડો થયો છે. ગુરૂવારે વિક્રમજનક ર૮ર કેસ નોંધાયા બાદ ગઇકાલે ત્રણ કેસનાં ઘટાડા સાથે રર૯ કેસની એન્ટ્રી થઇ હતી.

જયારે જિલ્લામાં સૌથી વધુ ૪ર કેસ માળીયા વિસ્તારમાં નોંધાયા હતાં. જુનાગઢ ગ્રામ્ય-ર૪, ભેસાણ-૧૮, કેશોદ-૪૧, માણાવદર-ર૮, મેંદરડા-૧૪, માંગરોળ-૩૪, વંથલી-રપ અને વિસાવદર વિસ્તારમાં ર૭ કેસ નોંધાયા હતાં.

જિલ્લામાં માળીયા શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં ૪ર નવા કેસ સામે આવતાં તંત્ર અને લોકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

ર૪ કલાકમાં કુલ ૭ કોરોના દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતાં. જેમાં જુનાગઢ શહેરમાં ૪, જુનાગઢ રૂરલ, ભેંસાણ અને માણાવદરમાં ૧-૧ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતાં.  આ દરમ્યાન જુનાગઢ સીટીના ૧૩૦ સહિત જિલ્લામાં કુલ રપ૦ કોવીડ દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

(11:08 am IST)