Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે શરૂ થયેલી રો રો ફેરી સર્વિસ બંધ

ભાવવધારાને કારણે સંચાલકો અને મુસાફરોને મુશ્કેલી

ભાવનગરના ઘોઘા અને સુરતના હજીરા વચ્ચે શરૂ થયેલી રો રો ફેરી સર્વિસની સુવિધા વેપારીઓ અને નાગરિકોને માથે સુવિધાને બદલે અસુવિધા બની રહી છે. દરિયાઈ માર્ગે તેમજ હવાઈ માર્ગે કનેક્ટિવિટી આપવા શરૂ કરાયેલી રો-રો ફેરી સર્વિસ અને હવાઈ સેવા સતત ચાલુ-બંધ રહેતા તેને હવે સુવિધા ગણવી કે અસુવિધા તે એક મોટો સવાલ થઈ પડ્યો છે. ઈંધણમાં થયેલા ભાવવધારાને પગલે રો-રો ફેરી  સર્વિસ પર પૂર્ણવિરામ મુકાઈ જાય તેવી અનેક શક્યતાઓ જોવા મળી રહી છે

રો-રો ફેરીના જહાજમાં ઈંધણ તરીકે વિવિધ પ્રકારના ઓઈલ ડીઝલ ઉપયોગમાં આવે છે, ઈંધણના ભાવ જે ગત વર્ષે જુલાઈમાં 40 રૂ., પ્રતિ લિટર હતો, તે અત્યારે 88 થઈ ગયો છે. લો સલ્ફર હાઈ સ્પીડ ડીઝલનો ભાવ રૂ. 79 હતો, જે હવે 124 થઈ ગયો છે. ફેરી સર્વિસના ભાવ સામાન્ય જનતાને પોસાય તેવા રાખવા ઓપરેટરો માટે જરૂરી હોય છે, તેથી ઈંધણના વધેલા ભાવનો વધારો સામાન્ય જનતા પર પરિવર્તિત કરી શકાતો નથી આવી જ હાલત હવાઈ સેવાઓની પણ છે, લોકોને જરૂરિયાત હોવા છતાં અને પેસેન્જરો મળતા હોવા છતાં પણ ભાવનગર- મુંબઈની ફ્લાઈટ સુવિધા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. ત્યારે ડચકા ખાતી રો-રો ફેરી સર્વિસને નવા રંગરૂપ સાથે ફરી શરૂ કરવા અંગે તંત્ર દ્વારા હૈયાધારણા આપવામાં આવી રહી છે. તેમજ હવાઇ સેવા અંગે પણ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

હાલમાં ઘોઘા-હજીરા રો રો ફેરી સર્વિસ ફરી બંધ થઈ છે. જહાજનું મેઈન્ટેનન્સનું કારણ આપી બંધ કરવામાં આવી છે. 25 જુલાઈથી 15 ઓગસ્ટ 20 દિવસ સુધી ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવતા મુસાફરો અને ટ્રક ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે ઘોઘાથી હજીરા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ વારંવાર ટેકનિકલ ફોલ્ટના કારણે બંધ થવાના કારણે ઉતમ સુવિધાનો લાભ નિયમિત મળી શકતો નથી. જેથી વૈકલ્પિક વ્યવસ્થા કરવા અને ખાસ કરીને દિવાળી ટાણે આ સર્વિસમાં બે ફેરી સર્વિસ ચાલુ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા માગણી કરાઈ છે.

.

 

(11:41 pm IST)