Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ભાણવડનાં યુવાન પર હૂમલો કરી, ધમકી

ખંભાળિયા,તા. ૮ : ચોખંડા ગામે રહેતા ભરતભાઈ ડાડુભાઈ ભાટુ નામના ૨૬ વર્ષના યુવાનને આ જ ગામના મારખી દેવરખી ગોજીયા નામના શખ્‍સે બિભત્‍સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ફ્રેક્‍ચર કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

ફરિયાદી ભરતભાઈના પ્રોવિઝન સ્‍ટોર પાસે એક છોટાહાથી વાહન માલ સામાન ઉતારતું હતું ત્‍યારે આ વાહન રાખવા બાબતે બોલાચાલી થતા ઉશ્‍કેરાઈ ગયેલા મારખી ગોજીયાએ હુમલો કર્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

મેઘપર ટીટોડી ગામના યુવાન ઉપર લાકડી વડે હુમલો

કલ્‍યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે રહેતા હરદાસ દેવાતભાઈ છુછર નામના ૪૬ વર્ષના યુવાનને કોઈ બાબતે આ જ ગામના રામા મેરુ છુછર નામના ૩૭ વર્ષના શખ્‍સે લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે પોલીસે હરદાસભાઈની ફરિયાદ પરથી રામભાઈ છુછરની સામે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, તેની અટકાયત કરી હતી.

કલ્‍યાણપુર નજીક કારની અડફેટે બાઈક સવાર પિતા-પુત્ર ઘવાયા

જુવાનપુર ગામે રહેતા વીરજીભાઈ ઝીણાભાઈ કણજારીયા નામના ૫૨ વર્ષના સતવારા આધેડ તેમના પુત્ર રમેશભાઈને સાથે લઈને તેમના મોટરસાયકલ પણ જઈ રહ્યા હતા, ત્‍યારે પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૨૭ ડબલ્‍યુ ૬૦૧૬ નંબરની ટોયોટા એરીસન મોટરકારના ચાલકે વિરજીભાઈના મોટરસાયકલ સાથે અકસ્‍માત સજર્યો હતો. જેના કારણે તેઓને ફ્રેક્‍ચર સહિતની ઇજાઓ થઇ હતી.

કલ્‍યાણપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

કલ્‍યાણપુરના ગુલાબ નગર વિસ્‍તારમાંથી પોલીસે માલદે હીરા વાઘેલા, બાબુ ઉર્ફે ભીખા જેરામ વાઘેલા, રાયમલ રામા ચૌહાણ અને જેરામ મોહન વાઘેલા નામના ચાર શખ્‍સોને રૂપિયા ૧,૫૩૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

(1:06 pm IST)