Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

મોરબીમાં દર રવિવારે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે.

ઓગસ્ટ મહિનાની ૨૧, ૨૮ તથા સપ્ટેમ્બર મહિનાની ૪ અને ૧૧ તારીખોએ રવિવારના રોજ સુધારા થશે

મોરબી : તા.૦૧/૧૦/૨૦૨૨ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ભારત ચુંટણી પંચ દ્વારા હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વિકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો યોજી મતદારયાદી સુધારણા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

મતદારયાદી સુધારણા ઝુંબેશના કાર્યક્રમની જાણ લોકોને થાય તેમજ વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને તે હેતુથી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર જે.બી.પટેલ દ્વારા મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારો/જાહેર જનતાને આ મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરવા/કમી કરવા/સુધારવા વિગેરે જેવી કામગીરી કરી શકાય અને એક મજબુત, પારદર્શક અને ક્ષતિરહિત મતદારયાદીનું ગઠન થાય તે માટે ભારત ચુંટણી પંચ તરફથી ખાસ ઝુંબેશના દિવસો યોજવાની જાહેરાત કરેલ છે. આ ઝુંબેશના દિવસો પૈકી તા.૨૧/૦૮/૨૦૨૨ (‌રવિવાર), તા.૨૮/૦૮/૨૦૨૨ (રવિવાર), તા.૦૪/૦૯/૨૦૨૨ (રવિવાર) અને તા.૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશના દિવસો દરમ્યાન આપ જ્યાં રહો છો તે વિસ્તારની આજુબાજુમા આવેલ બુથમાં બુથ લેવલ ઓફિસર દ્વારા સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હક્ક-દાવા, વાંધા અરજીઓ સ્વીકારવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ દિવસો દરમિયાન આપ વધુને વધુ લોકો/મતદારો અત્રેના જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારની મતદારયાદી સુદ્રઢ અને સમૃદ્ધ થાય તે માટે સક્રિય રસ લેવા અને પોતાનું યોગદાન આપવા અપીલ કરેલ છે. વધુમાં કલેક્ટર કચેરી-મોરબી ખાતે આવેલ ડિસ્ટ્રીક્ટ કોન્ટેક્ટ સેન્ટર ના ટોલ ફ્રી નંબર – ૧૯૫૦ દ્વારા મતદારયાદી સંબંધે કોઇ પણ મુશ્કેલીના નિવારણ માટે ઉપયોગ કરી શકશે. લોકોને બુથ પર ન જવું હોય તો પોતાના મોબાઇલ મારફત NVSP પોર્ટલ પર જઇ પોતાના નામ ઉમેરો/સુધારો/કમી વિગેરે ઘરે બેસીને પણ કરી શકશે. ભારત ચુંટણી પંચ દ્વારા ફોર્મ-૬ બી દ્વારા પોતાના ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લીંક કરવાની પણ સુવિધા ઉપલબ્ધ કરેલ છે. જેથી પોતાના ચુંટણી કાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવા માટેની સુવિધાનો લાભ તમામ મતદારોને લેવા અનુરોધ કરેલ છે. જેથી ભારત ચુંટણી પંચના મતદારયાદી સુધારણાના કાર્યક્રમમાં મોરબી જિલ્લાના લોકો વધુમાં વધુ ભાગ લેવા અને બુથ લેવલ ઓફિસરોને સહકાર આપવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે.

(11:43 pm IST)