Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ટંકારામાં પુસ્તક પરબ ટીમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા દેશભક્તિ કાર્યક્રમ યોજાયો.

મોરબી :આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હાલ હર ઘર તિરંગા કાર્યક્રમ ચાલી રહ્યો છે જેથી ટંકારામાં ૨ વર્ષથી કાર્યરત પુસ્તક પરબ ટીમ દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા દેશભક્તિનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં ૬ થી ૧૪ વર્ષ અને ૧૫ થી ૨૧ વર્ષ એમ 2 વિભાગમાં  બાળકો માટે સ્વાતંત્ર્ય સેનાની ઓના ચિત્રોને કાગળમાં કંડારવાની સ્પર્ધા યોજવામાં આવી. જેનું નામ આપવામાં આવ્યું “કસુંબલ રંગ”. આ સ્પર્ધામાં 80 સ્પર્ધકોએ ભાગ લીધો. જે સ્પર્ધકોએ ભગતસિંહ, સરદાર પટેલ,ચંદ્રશેખર આઝાદ, રાણી લક્ષ્મીબાઈ વગેરે સ્વાતંત્ર્ય સેનાનીઓના ચિત્રોને પોતાની આગવી કલાથી કાગળમાં કંડારી હતી. નિર્ણાયક તરીકે ઓરપેટ સ્કૂલના પ્રિન્સિપાલ અસ્મિતાબેન ગામી તેમજ ટંકારાના નિવૃત શિક્ષક તુલસીભાઈ દુબરીયાએ સેવા આપી હતી.
પુસ્તક પરબના એક અલગ કાર્યને નવાજવા તેમજ સ્પર્ધકોના મહાકુંભને નિહાળવા ટંકારાની આજુ બાજુની શાળાના બાળકોએ તથા ટંકારાની પુસ્તક પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં મુલાકાત લીધી હતી. લજાઈથી પધારેલા મસોત મયંકભાઈ દયારામભાઈએ તેમના પુત્ર રિધમના જન્મદિવસની ઊજવણીના ભાગરૂપે પરબને 7101 રૂપિયા ભેટમાં આપી, સમાજને એક અલગ રાહ ચીંધી હતી.
ગત વર્ષે  પણ આ પરિવારે પરબ ને 10,000 રૂપિયા પુસ્તકની ખરીદી માટે આપ્યા હતા. આમ બાળકોના જન્મદિવસ આ રીતે પણ ઉજવી શકાય તેવો એક નવો વિચાર સમાજને આપ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન તેમજ સંચાલન સાંચલા ગીતાબેન, કલ્પેશભાઈ ફેફર, પરેશભાઈ નમેરા તેમજ  ધવલભાઈ દેસાઈ, ભાવેશભાઈ કોશિયા, ગાયત્રીબેન વરમોરા તેમજ હિરલબેન પનારા દ્વારા કરી કાર્યક્રમની સફળતાને ચાર ચાંદ લગાવ્યા હતા.

(11:50 pm IST)