Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

કચ્છમાં કોરોનાના કહેર વચ્ચે, ભુજમાં દર્દીઓનો રાફડો-વેન્ટિલેટર નથી :સ્મશાનમાં વેઈટિંગ

કોવિડ મહામારી વચ્ચે છ મહિના પછી કચ્છની મુખ્ય હોસ્પિટલમાં માત્ર ૧૬ જ વેન્ટિલેટર, ગાંધીધામ, મુન્દ્રામાં પણ વેન્ટિલેટર ખૂટયા, એક માત્ર માંડવીમાં ઠીક ઠીક પરિસ્થિતિ : મોતના આંકડા છુપાવતા હોવાનો આક્ષેપ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૮ : આત્મનિર્ભર ભારત અને જીતશે ગુજરાતના સૂત્રો વચ્ચે કચ્છમાં કોરોનાની વકરતી પરિસ્થિતિનો ચિતાર કપરો છે. માર્ચથી કચ્છ કોવિડ માટે સજ્જ છે.

એવા દાવા સાથે ભુજમાં મુખ્ય અદાણી જીકે જનરલ હોસ્પિટલને સજ્જ કરાઈ. પછી, મુન્દ્રા અને ગાંધીધામમાં પણ અન્ય સંસ્થાઓ સાથે છેલ્લે માંડવીમાં પણ કોવિડ હોસ્પિટલ શરૂ થઈ. પણ, જે રીતે સરકારને અંદેશો હતો અને તંત્રને પણ ખ્યાલ હતો કે, ભુજમાં કોવિડના કેસો વધશે. તે પરિસ્થિતિ અત્યારે વાસ્તવિક બની છે.

વધુ ૩૫ કેસ સાથે સારવાર લઈ રહેલા કુલ દર્દીઓની સંખ્યા ૨૪૮ છે, જયારે પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા ૧૪૭૧ થઈ છે. સાજા થનાર દર્દીઓ ૧૧૪૬ છે. મૃત્યુ પામનારની સંખ્યા ૭૭ થાય છે, પણ તંત્ર અત્યારે ચોપડે ૪૬ મોત બતાવે છે. હવે વકરતી પરિસ્થિતિ વચ્ચે ભુજમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. તો, ભુજની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં માત્ર ૧૬ વેન્ટિલેટર હોઈ ગંભીર દર્દીઓ માટે પરિસ્થિતિ વિકટ છે.  મુન્દ્રા, ગાંધીધામ હોસ્પિટલ ફૂલ છે. નવી બનાવાયેલ મસ્કા માંડવીની હોસ્પિટલ પણ ધીરે ધીરે ફૂલ થઈ રહી છે. પરિસ્થિતિ વિકટ હોવા છતાં તંત્ર સુવિધા વધારવાને બદલે આંકડાઓની માયાજાળ રચવામાં વ્યસ્ત છે.

(11:54 am IST)