Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ગોંડલના મોવિયા ગામે સુરેશભાઇ પટેલ સહિત બે ઉપર ૮ શખ્સોનો લાકડીથી હુમલો

વાડીના રસ્તાના દબાણ પ્રશ્ને ચાલતા જુના મનદુઃખમાં ભરવાડ જુથના ૮ શખ્સો તૂટી પડયા : રાયોટ સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો

રાજકોટ તા. ૯ : ગોંડલ તાલુકાના મોવિયા ગામે વાડીના રસ્તાના દબાણ પ્રશ્ને ચાલતા જુના મનદુઃખમાં પટેલ યુવાન સહિત બે ઉપર ભરવાડ જુથના ૮ શખ્સોએ લાકડીથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલના મોવિયા ગામે રહેતા સુરેશભાઇ ઉર્ફે મીંડી પરસોત્તમભાઇ ભાલાળા સહિત બે ગામના ચોરા પાસે બેઠા હતા ત્યારે તે જ ગામના રાજુ હેમુભાઇ ઝાપડા, ભરત જીલુભાઇ ટારીયા, જસા પાંચાભાઇ ટારીયા, ગોબર દેવશીભાઇ, લાલજી બટુકભાઇ ટોટા, મેરૂ મુળજીભાઇ ઝાપડા, અજય ગાંડુભાઇ ઝાપડા તથા મૈશુર બધાભાઇ ઝાપડાએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી લાકડીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં સુરેશભાઇને ફ્રેકચર તથા સાહેદને પણ ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્ત સુરેશભાઇ વાડીનો રસ્તો ભરવાડવાસમાંથી જતો હોય આ રસ્તા ઉપર દબાણ થઇ જતાં સુરેશભાઇએ ગ્રામ પંચાયત તથા ભરવાડ સમાજના આગેવાનોને મળી દબાણ દુર કરવા રજૂઆત કરતા હોય તેનો ખાર રાખી હુમલો કર્યો હતો.

આ અંગે ઉકત આઠેય શખ્સો સામે ફરીયાદ થતાં તાલુકા પોલીસે રાયોટ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પી.એસ.આઇ. મહેન્દ્રસિંહ પરમાર ચલાવી રહ્યા છે.

(12:01 pm IST)