Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જામનગર લોહાણા મહાજનના પૂર્વ માનદ્દમંત્રી હરેશભાઇ ચોટાઇના કોરોનાથી અકાળે નિધનથી રઘુવંશી સમાજનું રત્ન રોળાઇ ગયું

શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત ચોટાઇ પરિવાર ઉપર કોરોનાએ વ્રજઘાતથી આંસુનો દરિયો છલકાયો : જીતુભાઇ લાલ સહિત દ્વારા ભાવાંજલિ અર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ : જામનગરમાં કોરોનાએ મચાવેલા કહેરના પગલે શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત પરિવારના હરેશભાઇ ચોટાઇના થયેલા નિધનના પગલે રઘુવંશી સમાજમાં આંસુનો સાગર છલકાયો છે.

જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઇ લાલ અને મંત્રી રમેશભાઇ દતાણીએ દિવંગત હરેશભાઇ વલ્લભદાસ ચોટાઇને શ્રદ્ધાંજલી અર્પતા જણાવ્યું છે કે જામનગર લોહાણા મહાજનના માનદ્દમંત્રી તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા હરેશભાઇ ચોટાઇના અકાળે નિધનથી રઘુવંશી સમાજનું રત્ન રોળાઇ ગયું છે. નવરાત્રી હોય કે જ્ઞાતિ ભોજન, સમૂહ લગ્ન હોય કે પાર્થિવ દેહને અવલ મંજીલે પહોંચાડવાની માનવ સેવા સાથે શહેરમાં છેલ્લા ચાર દાયકા જેટલા સમયથી સતત સેવારત રહેલા હરિભાઇ ચોટાઇની અલવિદાયના શોકજનક સમાચારથી સાર્વત્રીક રીતે સમાજ પર કુઠારાઘાત થયો છે, તેમની સેવાની અસ્ખલિત પ્રવૃતિઓરૂપે હરિભાઇ સદાયે જીવંત સ્મૃતિરૂપ તમામના હૃદયમાં રહેશે.

કોરોનાને કારણે ચોટાઇ પરિવારના ૧૧ સભ્યોને જી.જી. હોસ્પિટલમાં એકીસાથે દાખલ કરવા પડેલા, જે પૈકી વિનુભાઇ અને મહેન્દ્રભાઇએ આ અગાઉ આખરી શ્વાસ લીધાના ઘા રૂઝાય તે પહેલા હરેશભાઇ ઉપર કાળનો પંજો પડતા સમગ્ર સમાજમાં શોક વ્યાપી ગયેલ છે. લોહાણા સમાજમાં 'હરિકાકા' પ્રેમાળ નામથી પ્રિય બનેલા હરેશભાઇની ચિરવિદાયથી માત્ર લોહાણા સમાજમાં જ નહિ જામનગરના સમગ્ર સમાજમાં ભારે શોક ફેલાયેલો છે.

કોરોના મહામારીએ આપેલો આ વ્રજઘાત તેમના પરિવારજનો-આપ્તજનો જીરવી શકે તેવી શકિત પરમાત્મા આપે એ જ પ્રાર્થના સાથે સ્વ. હરિભાઇ ચોટાઇને અશ્રુભરી અંજલી અર્પણ કરીએ છીએ.

જામનગર લોહાણા મહાજનના પૂર્વમંત્રી જ્ઞાતિ રત્ન, સેવાના ભેખધારી અને હરિકાકાના નામથી જાણીતા શ્રી હરિશભાઇ ચોટાઇનું મહામારી કોરોના વાયરસની બિમારીને કારણે અવસાન થતાં જામનગર જિલ્લા રઘુવંશી કર્મચારી સંગઠન ખૂબજ દુઃખની લાગણી અનુભવે છે અને હરિભાઇના અવસાનથી જામનગરના લોહાણા જ્ઞાતિ સહિતના સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પરંતુ એટલુ ચોક્કસ કહી શકાય કે સ્વ. હરિભાઇની સેવાકીય પ્રવૃતિઓથી તેમનું નામ હંમેશા 'અમર' થઇ ગયું છે તેમ લોહાણા સમાજના હોદ્દેદારોએ જણાવ્યું હતું.

(12:49 pm IST)