Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

અમરેલી જીલ્લામાં બે દિવસમાં કોરોનાના ૪૭ પોઝીટીવ કેસ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૮ : અમરેલીમાં જન જીવન માસ્ક સાથે પણ પૂર્વવત બની રહ્યું છે ત્યારે અમરેલીમાં કોરોના વિકરાળ બની રહ્યો છે અને અનેક લોકોના મોતના મુખમાં ધકેલી રહ્યો છે. રવિવારે ૩ અને સોમવારે પ લોકોના મૃત્યુ નિપજયા હતાં જેના કારણે અમરેલીના સ્મશાને પણ થોડીવાર વેઇટીંગ જેવી હાલત થઇ ગઇ હતી. દરમિયાન રવિવારે કોરોનાના ર૩ અને સોમવારે ર૪ કેસ સામે આવ્યા છે.

રવિવારે બાબરાના ૭પ વર્ષના વૃદ્ધ પોઝીટીવ દર્દી તથા ફતેપુરના ૬૦ વર્ષના માર્કેટ યાર્ડમાં તોલાટમાં જતા શ્રમજીવી અને અમરેલીના જીવાપરાના ૭૦ વર્ષના કોરોના પોઝીટીવ વૃદ્ધાના મૃત્યુ નિપજયા હતાં તથા સોમવારે અમરેલી નગરપાલિકાના હમણા જ નિવૃત થયેલા અને બહારપરામાં રહેતા એક કર્મચારી, ચિતલના ૭પ વર્ષના વૃદ્ધા, અમરેલી કેરીયા રોડના ૭પ વર્ષના વૃદ્ધ, સાવરકુંડલાના વૃદ્ધા તથા બગસરાના ગાયત્રી મંદિર પાસે રહેતા પ૦ વર્ષના એસટીના કન્ડકટર મળી કુલ પાંચના સાંજ સુધીમાં મૃત્યુ નિપજયા હતાં.

મોટી ઉંમરના વડીલો કોરોના પોઝીટીવ થયા બાદ ગમે તે કારણે ટપોટપ મરણને શરણ થઇ રહ્યા છે અને સમાજને અને આવનારી પેઢીને મોટી ખોટ પડવાની છે. કોરોનાથી માત્ર મોટી ઉંમરના લોકો જ મૃત્યુ પામે છે તેવું નથી. આજે મૃત્યુ પામેલામાં બગસરાના કંડકટર માત્ર પ૦ વર્ષની ઉંમર હતી અને તેને ગઇકાલે જ ૬ તારીખે બપોરે દાખલ કરાયા હતાં અને ૭ તારીખે સાંજે તેમનું મૃત્યુ નિપજયું હતું.

રવિવારે કોરોનાના ર૩ કેસ નોંધાયા હતાં જેમાં ૮ અમરેલીના હતાં જયારે આજે ર૪ કેસ નોંધાયા છે જેમાં અમરેલીના ગુરૂકૃપાનગર, કસ્બામાં, જેશીંગપરાના ર, મોટા કસ્બા, ગજેરાપરા, કાશ્મીરા ચોક મળી ૮ કેસ નોંધાયા છે અને ફતેપુર, રાજુલા, ચિતલ, ધારીમાં ૩, બગસરા, કુંડલા જેસર રોડ, કુંકાવાવ, મોણપુર, મોટા જીંજુડા, કુંડલાના શીવાજીનગરમાં ર, લાઠી મારૂતીનંદન અને તળાવ પ્લોટમાં કેસ નોંધાયા છે. દરમિયાન કલેકટરશ્રી દ્વારા રેપીડ ટેસ્ટ વધુ કરવાનો નિર્ણય લેવાયા બાદ રેપીડ ટેસ્ટ સતત ચાલુ છે. આજે ૧૩૦ર ટેસ્ટ કરાયા હતાં અને એક રીપોર્ટ પેન્ડીંગ રહ્યો છે.

(12:50 pm IST)