Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

જુનાગઢ જેલનાં કાચા કામના કેદીનું મોત થતા લાશ સ્વીકારવા પરિવારનો ઇન્કાર

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૮ :.. જુનાગઢ જેલનાં એક કાચા કામનાં કેદીનું મોત થયાનું અને અન્ય એક કેદી સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢના તાર બંગલા વિસ્તારમાં રહેતો મેરાજશા ઉર્ફે ગભરૂ ઇસ્માઇલશા રફાઇ (ઉ.રર) નામનો શખ્સ લૂંટ, મારામારી સહિતના કેસમાં કાચા કામનાં કેદી તરીકે જૂનાગઢ જેલમાં બંદીવાન હતો.

ગઇકાલે બપોરના આ કેદીની તબીયત લથડતા તેને પ્રથમ જૂનાગઢ સીવીલમાં બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં વિશેષ સારવાર માટે રીફર કરવામાં આવેલ.

જયાં ઓન ડયુટી ઓફીસર ડો. જે. ડી. ટાંકે સાંજે ૬.૩૦ કલાકે મેરાજશા ઉર્ફે ગભરૂને મૃત જાહેર કર્યો હતો.

આ અંગેની જાણ મૃતકનાં પરિવારજનોને થતાં તેમણે મેરાજશા ઉર્ફે ગભરૂનું મોત શંકાસ્પદ હોવાનું જણાવીને લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો.

જો કે જેલ સુત્રોએ જણાવેલ કે આ કેદી માનસીક બિમારીથી પીડાતો હતો અને તેણે પોતાની સાથે અન્ય દવા પી લીધી હોવાનું મનાય છે.

દરમ્યાનમાં જૂનાગઢ જેલનો અન્ય એક કેદી સિકંદર લિયાકત અલી બુખારી (ઉ.૩૪) નામના બંદીવાનને પણ ગત સાંજે સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જે અંગે એ. ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(12:54 pm IST)