Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળાથી ૧૬પ ભેંસોના ટપોટપ મોત

બે દિવસમાં ૩૦૦ ભેંસોના ટેસ્ટીંગ : જામનગરથી પશુ તબીબોની ટીમ બોલાવાઇ : પશુપાલકોમાં ભારે ચિંતા : થોડા દિવસોમાં અનેક ભેંસોને ઝપટમાં લીધી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોગચાળાથી ૧૬પ જેટલી ભેંસોના મોત થતાં પશુપાલકોમાં ચિંતા પ્રસરી ગઇ છે.

થોડા દિવસોમાં દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં ભાટવડીયામાં ૧૯, સાંઇનેશમાં ૪૦, ભાટીયામાં ૧૯, કુરંગામાં ર૧, બામણાયામાં ૧પ, ભારેેત્રાતમાં ૧ર એમ ૧૬પ ભેંસોના ટપોટપ મોત નિપજયા હતાં.

ભેંસની કિંમત અત્યારે સારી હોય ૯૦ હજારથી એક લાખની કિંમતની થતી ભેંસોની ૧૬પના મોત નિપજતા પશુપાલકોની દશા ભારે વિકટ થઇ છે. તંત્રે તાકીદે વ્યવસ્થા કરી છે તેથી રોગ કાબુમાં આવવા સંભાવના છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તથા દ્વારકા તાલુકામાં દરિયાકાંઠાના ગામોમાં રહેતી ભેંસોમાં થયેલ વિચિત્ર રોગચાળામાં ઘણી ભેંસના મોત થયાના વિગતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે. જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પશુપાલન અધિકારીશ્રી કિરીટ પટેલની આગેવાનીમાં તપાસ તથા સારવાર હાથ ધરાઇ છે.

જામનગરની ખાસ ડોકટરોની ટીમ સાથેની લેબોરેટરી આવી હતી તથા બે ભેંસના પોસ્ટમોર્ટમ કરાયેલા તથા પંદર ભેંસોના નમૂના એકઠા કરીને તેનું ટેસ્ટીંગ કરવા માટે જામનગર લઇ જવાયા છે.

આરોગ્ય અધિકારી (પથુ) કિરીટ પટેલે જણાવેલ કે તા. ૬ અને સાત બે દિવસમાં ૩૦૦ જેટલી ભેંસોના ટેસ્ટીંગ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તથા ત્રણ ટીમો દ્વારકા તથા ત્રણ ટીમો કલ્યાણપુર તાલુકામાં મોકલીને તપાસ શરૂ કરવામાં આવી છે.

આ રોગ ઇતરડાથી ફેલાતો હોવાનું તથા ભેંસો જે દરિયા કાંઠાળા વિસ્તારોમાં  છે તેમને આ રોગ વધુ લાગુ પડયો છે. જોકે દેવભૂમિ દ્વારા જિલ્લામાં ખંભાળીયા તથા ભાણવડ તાલુકાના એકપણ ગામોમાં આ રોગચાળો દેખાયો નથી. હાલ દર ત્રણ ત્રણ દિવસે રીચેકીંગ કરવાની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

જે નવા કેસ આવે છે તેમાં તુરત જ સારવાર માટે તથા સારવારથી ભેંસને થયેલા સુધારા તથા અસરની બાબતો પણ ધ્યાનમાં લઇને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

(3:29 pm IST)