Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રાપર-સામખિયાળી પટ્ટા પરની હોટલોમાંથી 52 લાખની વીજચોરી ઝડપાતા ખળભળાટ

પૂર્વ કચ્છની સાત હાઈવે હોટેલો-ઢાબામાં દરોડા: વીજચોરો સામે GUVNL પોલીસ મથકમાં ગુના દાખલ કરાયાં

ભુજઃ પૂર્વ કચ્છની સાત હાઈવે હોટેલો-ઢાબામાં દરોડા પાડી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને PGVCLની ટીમે ૫૨ લાખની વીજચોરી ઝડપી પાડી છે. વીજચોરો સામે GUVNL પોલીસ મથકમાં ગુના દાખલ કરાયાં છે. GUVNL વડોદરા કચેરીના આદેશ સંદર્ભે મંગળવારથી અંજાર અને રાજકોટ સીટી-ગ્રામ્યમાં વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. દરોડાની કામગીરીમાં DySP અને વિજીલન્સ ઑફિસર બી.સી. ઠક્કર સહિતના અધિકારી-કર્મચારીઓની ટૂકડીઓ જોડાઈ હતી.

ચેકીંગ દરમિયાન ચુડવા ગામે સરબજીતસિંઘ ધનોતાની મિલકતમાંથી ૨ લાખ, લાકડીયાના રસૂલભાઈ ઉમરભાઈ ગોરીની મિલકતમાંથી ૨.૫૦ લાખ, કાનમેરના રમેશભાઈ સવાભાઈ વણોલની મિલકતમાંથી ૪ લાખ, સામખિયાળીમાં ધારાભાઈ રાજાભાઈ ભરવાડની મિલકતમાંથી ૧૫.૩૦ લાખ, મેવાસા પાટિયે આવેલી હોટેલ ન્યૂ ભાદરીયારાય રાજસ્થાનીમાંથી ૮ લાખ (માલિકઃ ખોડ મોદજી દુદાજી), આડેસરમાં આવેલી હોટેલ સહારામાંથી ૨૦ લાખ (માલિકઃ હારુન અયુબભાઈ હિંગોરજા) અને આડેસરમાં બજરંગી ટાયર વર્કસના નામની મિલકતમાંથી ૨૦ હજાર (માલિકઃ ભીખાભાઈ દેવાભાઈ) મળી કુલ ૫૨ લાખની વીજચોરીનો પર્દાફાશ કરાયો છે.

ભૂતકાળમાં પૂર્વ કચ્છની અનેક હોટેલોએ ગેરકાયદેસર રીતે નર્મદાની લાઈનમાંથી બારોબાર પાણીના જોડાણ લીધાં હોવાનો પર્દાફાશ થયો હતો.અનેક હોટેલ સંચાલકોએ ગેરકાયદે સરકારી જમીનો પર દબાણ કરી દીધાં છે. એ જ રીતે, અનેક હોટેલો ભોજન સાથે ટ્રક ડ્રાઈવરો અને પ્રવાસીઓને ગેરકાયદે દેશી-વિદેશી દારૂ પણ પીરસતી હોવાની પોલીસ મથકોમાં અવારનવાર ફરિયાદો નોંધાય છે. મોટાભાગની હોટેલમાં અનેકવિધ ગેરરીતિ ચાલે છે પરંતુ હોટેલ સંચાલકો સંબંધિત તંત્રોના કર્મચારીઓ-અધિકારીઓને નિયમિત રીતે સાચવી લેતાં હોઈ તેમના લાયસન્સ રદ્દ કરવા સુધીની કડક કામગીરી થતી નથી.

(9:15 pm IST)