Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છ જિલ્લામાં ૬૦ કરોડના રસ્તાઓના કામોનું ઈ-ખાતમુહુર્ત

ગાંધીધામમાં ફોર લાઈન નવો ઓવરબ્રિજ અને છેવાડાના લખપત કોટેશ્વર માં રસ્તાઓનું થશે કામ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : કચ્છ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસ કામોનું ઈ-ખાતમુહુર્ત કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે યોજાઈ ગયો. રાજ્યમાં ૨૦૬ કરોડના ખર્ચે વિવિધ માર્ગ અને મકાન વિભાગના વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇપટેલના હસ્તે કરાયું જેમાં કચ્છના ગાંધીધામ ખાતે ૩૨ કરોડના ખર્ચે ફલાય ઓવર તેમજ ભુજ-લખપત રોડના ૨૧ કરોડના ખર્ચે ૩૩ કિ.મી., લખપત-કોટેશ્વર રોડના ૪.૨૬ કરોડના ખર્ચે ૮ કિ.મી., તેરા-ભાચુંડા રોડના ૩.૧૮ કરોડના ખર્ચે ૧૦ કિ.મી.ના રોડ રસ્તાના રિસર્ફેસીંગ કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, આ ફલાયઓવર એ કચ્છના ઔધોગિક પાટનગર ગાંધીધામના વિકાસમાં શિરમોર સમું છે. ઉપરાંત નખત્રાણાના તેમજ લખપતના વિવિધ રસ્તાઓનું રિસર્ફેસીંગ થતાં એ તરફના લોકોને તેમજ ખાસ કરીને પ્રવાસીઓને પણ સરળતા રહેશે. વડાપ્રધાનશ્રીની માર્ગદર્શન હેઠળ માળખાંગત સુવિધાઓ વધતી જાય છે અને તેનો લાભ છેવાડાના લોકોને મળી રહયો છે.

આ તકે પૂર્વ રાજયમંત્રી તેમજ અંજારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, હું ગાંધીધામની તેમજ આસપાસની પ્રજાને શુભકામનાઓ પાઠવું છું કારણ કે તેમનું વર્ષોનું સ્વપ્ન સાકાર થવા જઇ રહયું છે. દેશને પ્રગતિની પરાકાષ્ઠાએ પહોંચાડવા વડાપ્રધાનશ્રીના આપણે આભારી છીએ તેવું ઉમેર્યું હતું.

આ તકે ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગાંધીધામમાં વિવિધ વિકાસલક્ષી કાર્યો થયા છે. ટાગોર રોડ એ ગાંધીધામનો મુખ્ય માર્ગ છે ત્યારે ફોરલાઇન ફલાય ઓવરનું સર્જન થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવશે. આ સુવિધા ઉભી કરવામાં શરૂમાં થોડી મશ્કેલી સર્જાશે તે અંગે સહકાર આપવા પણ નગરજનોને તેમણે અપીલ કરી હતી.

આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી ઈ-માધ્યમથી જોડાયા હતા.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી રાજેન્દ્ર બલદાણીયાએ કર્યુ હતું તેમજ આભારવિધિ અગ્રણીશ્રી વિજયસિંહ જાડેજાએ કરી હતી.

 આ કાર્યક્રમ બાદ મહાનુભાવોએ ઓસ્લો સર્કલ ખાતે શ્રીફળ વધેરી ફલાયઓવરના કામનું ખાતમુર્હુત કર્યું હતું. તો કોટડા (જડોદર) ખાતે અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિઘ રસ્તાઓના રિસસર્ફેસીંગ કામનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે ગાંધીધામ નગરપતિશ્રી ઈશિતાબેન ટિલવાણી,ગાંધીધામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભરતસિંહ જાડેજા, અગ્રણી સર્વશ્રી ભરતભાઇ ઠકકર, પંકજભાઇ ઠકકર, બાબુભાઇ ગુજરિયા, ધનજીભાઇ હુંબલ, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ, પ્રાંત અધિકારીશ્રી વી.કે.જોષી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી વાઘેલા, મામલતદારશ્રી હિરવાણીયા તેમજ અન્ય અધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ અને ગાંધીધામના નગરજનો ઉપસ્થિત રહયા હતા.

(9:32 am IST)