Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટનું નરેન્દ્રભાઇના હસ્તે ઇ-લોકાર્પણ

પી.એમ. કેરમાંથી નિર્મિત ઓકિસજન પ્લાન્ટથી કચ્છની આરોગ્ય સુવિધાઓ બની વધુ સુસજ્જ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૮ : કચ્છના આદિપુર મધ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે પીએમ કેર અંતર્ગત બનેલ ઓકિસજન પ્લાન્ટનો ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. રાષ્ટ્રવ્યાપી સામુહિક ઈ-લોકાર્પણના ભાગરૂપે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ રાજયમંત્રી આર.સી.મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીરૂપે કેન્દ્ર સરકાર, રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અગમચેતીરૂપે વિવિધ પગલા લેવાઇ રહયા છે જેના ભાગરૂપે રાજયમાં વિવિધ પીએમ કેર પી.એસ.એ. ઓકિસજન પ્લાન્ટસનું માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇમોદીના  હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કચ્છમાં રામબાગ એસ.ડી.એચ.હોસ્પિટલ ગાંધીધામ ખાતેના PSA ઓકિસજન પ્લાટનું પણ ઈ-લોકાર્પણઙ્ગ સામાજિક ન્યાય અને અધિકારીતા (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ) રાજયમંત્રીશ્રી આર.સી.મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. જેથી વિશ્વના અન્ય દેશોના પ્રમાણમાં ભારતમાં મૃત્યુનું પ્રમાણ પણ ઓછું રહયું છે.

કોરોના મહામારીમાં કાર્યકર્તાઓએ કરેલી કામગીરીની સરાહના કરતા તેમણે જણાવ્યું હતું કે, તેમણે પોતાની કે પરિવારની ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી છે. આ વિકટ પરિસ્થિતિમાં લોકોની વ્હારે ઉભેલી સરકાર અને કાર્યકર્તાઓનેઙ્ગ લોકો કયારેય નહીં ભૂલે.

શુધ્ધ ઓકિસજન હવેથી લોકોને સરળતાથી ઉપલબ્ધ બની શકશે તે બાબતે હર્ષ વ્યકત કરતાં તેમણે આ આગોતરા આયોજનમાં સંગઠિત બની સહભાગી બનવા લોકોને અપીલ કરી હતી. તથા માતા આશાપુરાની કચ્છ ધરાને વિશ્વ વિખ્યાત ગણાવી કચ્છની ભૂમિને નમન કર્યા હતા.

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, સરકારની અમીદષ્ટિ અને દિર્ધદષ્ટિના કારણે કોરોનાથી થતું નુકશાન ઘણું રોકી શકયા છીએ.

ઉપરાંત રસીકરણ અને વૃક્ષારોપણ બાબતે પણ વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરી હતી.

આ તકે પૂર્વ રાજયમંત્રી તેમજ અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કચ્છના વહીવટી તંત્રે કોરોનાને રોકવા અને નિયંત્રિત કરવા સવિશેષ કામગીરી કરી છે. ઉપરાંત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત સરકારનો સથવારો હંમેશા મળી રહયો છે તેવું ઉમેર્યુ હતું.

આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ મધ્યે ચોથા ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ થયું છે જેથી હું ખુશીની લાગણી વ્યકત કરું છું. ઉપરાંત વેકિસનેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે પણ વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને સામાજિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ઈ-માધ્યમથી જોડાયેલા પ્રજાવત્સલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં ભારતે ટુંક સમયમાં જે સુવિધાઓ ઉભી કરી છે તે આપણું સામર્થ્ય દર્શાવે છે. ભારત દ્વારા ઓકિસજનના નિર્માણ માટે અને તેના પરિવહન માટે યુધ્ધના ધોરણે પ્લાન્ટનું નેટવર્ક ઉભું થઇ રહયું છે અને હવે તમામ જિલ્લા આ સાથે જોડાઇ રહયા છે જેથી કોરોનાને ટક્કર આપવી સરળ બની રહેશે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઈ-માધ્યમથી જોડાયા હતા.

આદિપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રસીકરણમાં ક્ષેત્ર કામગીરી કરેલા રાપર સબ સેન્ટરના વેલુબેન વડવાઇ, ઘડુલી સબ સેન્ટરના મંજુલાબેન બારીયા તેમજ ગોરેવાલી સબ સેન્ટરના જિજ્ઞાબેન કેરાસીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનક માઢકે કર્યુ હતું તો આભારવિધિ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પ્રેમકુમાર કન્નરે કરી હતી. તો કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યુ હતું.

આ પ્રસંગે રાજયમંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે PSA ઓકિસજન પ્લાન્ટનું એસ.ડી.એચ.- ગાંધીધામ ખાતે રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગાંધીધામ નગરપતિશ્રી ઈશિતાબેન ટિલવાણી, અગ્રણીશ્રી ધનજીભાઇ હુંબલ, પંકજ ઠકકર, બાબુભાઇ ગુજરીયા, ભરતભાઇ હડીયા તેમજ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારીશ્રી ડો.વિમલ જોશી, સિવિલ સર્જનશ્રી ડો.કશ્યપ બુચ તેમજ અન્ય અગ્રણીશ્રીઓ, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ આરોગ્ય તંત્રના અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહયા હતા.

(10:39 am IST)