Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ધ્રાંગધ્રામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ

સવારથી લોકો પરસેવે રેબઝેબઃ ચોમાસાની વિદાય પહેલા મિશ્ર હવામાનનો માહોલ

પ્રથમ તસ્વીરમાં ગોંડલ અને બીજી તસ્વીરમાં ગારીયાધાર પંથકમાં વરસેલ વરસાદ નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ, ચિરાગ ચાવડા-ગારીયાધાર)(૨-૫)

રાજકોટ, તા. ૮ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે તેવા સમયે ફરી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. કાલે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ધોધમાર વરસાદ બાદ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં ગાજવીજ સાથે વરસાદ પડયો હતો.

આજે સવારથી સર્વત્ર અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ :ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યુ છે, તેવી હવામાન વિભાગની જાહેરાત વચ્ચે ધ્રાંગધ્રા પંથકમાં કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગ્રામવિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ ખાબકયો હતો. બપોર બાદ હવામાનમાં અચાનક પલટા સાથે આકાશમાં વાદળો ઉમટયા હતા. કડાકા-ધડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધ્રાંગધ્રા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જયારે તાલુકાના, હરીપર, મોટી માલવણ, વાવડી, રામગઢ સહિતના ગામોમાં એક કલાક સુધી ભારે પવન સાથે વરસાદ ચાલુ રહ્યો હતો. ચાર-પાંચ દિવસના ઉદ્યાડથી કાચા રસ્તા સુકાતા માંડ ખેતરોમાં જવા જેવુ થયુ હતુ ત્યાં ફરી વરસાદ ખાબકતા ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ હતી.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : તાલુકાના શિવરાજગઢઙ્ગ માંડણ કુંડલા, કમરકોટડા, દેવચડીમાં વિજળીના કડાકા ભડાકા સાથે દોઢથી બે ઈચ વરસાદ ખાબકતા ખેતરમાં પાણી પાણી થઈ ગયા હતા. વરસાદનાં પગલેઙ્ગ ખેડુતો ને મગફળી,કપાસ ડુંગરીના પાકોમાં  મોટા પ્રમાણમાં નુકશાની વેઠવાનો વારો આવ્યો અત્યારે ખેડુતને મગફળી ઉપાડવાનો સમય હોય.અને પાંચથી છ દિવસની વરાપ નીકળતા ખેડુતોએ મગફળી ઉપાડવાનુ શરૂ કરી દીધું છે. વરસાદને કારણેઙ્ગ મગફળીનો પાલો માલઢોરને મળે તેમ નથી.જેથી માલધારીઓને પલળી ગયેલા પાલા લેવા પડે છે. નવલા નોરતાના પ્રથમ નોરતે જ ગાજવીજ સાથે વરસાદ વરસતા જગતાતની તકલીફમા વધારો થયો છે. અને ખેડુતની ખેત પેદાશમા મોંઢે આવેલો કોળીયો જુટવાય જાય તેવી હાલત છે ડુંગરી, મગફળી, કપાસ, તલી જેવા પાકો ને મોટાપ્રમાણમાં નુકશાની થયેલ છે.

ગારીયાધાર

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધારઃ ગારીયાધાર લુવારા ગામે આજરોજ સાંજે ૫ કલાકના અરસામાં ભારે વરસાદી ઝાપટુ વરસી પડયુ હતુ. આ ભારે વરસાદથી નેવા ધારૂ થવા પામી હતી.

લુવારા ઉપરાંત સરંભડાની સીમ અને બેલા ગામની સીમમાં પણ વરસાદી છાંટા જોવા મળ્યા હતા. વળી અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં અને ગારીયાધાર શહેરમાં ભારે ગરમી અને ઉકળાટ થવા પામ્યો હતો.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૪.૫ મહત્તમ, ૨૬.૫ લઘુત્તમ, ૮૫ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ, ૪.૪ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:28 am IST)