Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઓમિક્રોનની દહેશત વચ્ચે કેશોદમાં કોરોનાનો નવો કેસ

લોકોએ બેદરકારીને બદલી સાવચેતી રાખવી જરૂરી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૮ :. ઓમિક્રોનની દહેશત વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોરોનાનો નવો કેસ નોંધાતા તંત્ર સહિત લોકોમાં ચિંતાના વાદળો ઘેરાય ગયા છે.
ઓમિક્રોનરૂપી નવો વેરીયન્ટ દેશ અને દુનિયાને સતાવી રહ્યો છે. ભારતમાં આ નવી બિમારીના કેસ વધવા લાગ્યા છે અને ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પગપેસારો થઈ ચૂકયો છે ત્યારે લાંબા સમયગાળા બાદ જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ આળસ મરડી છે.
ગઈકાલે કેશોદમાં એક વ્યકિતને કોરોના પોઝીટીવનો રીપોર્ટ આવતા સ્થાનિક તંત્ર દોડતુ થઈ ગયુ છે અને જરૂરી તમામ આરોગ્ય વિષયક પગલા હાથ ધર્યા છે.
જિલ્લામા કોરોનાના કેસની એન્ટ્રી થતા અનેક સવાલ ઉંપસ્થિત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો કોરોનાને ભૂલીને સામાન્ય થઈ ગયા છે.
મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. બજાર, મોલ, શાકમાર્કેટ અને પ્રસંગોમાં સામાજિક અંતરનો અભાવ પણ જોવા મળે છે.
આવી બેદરકારી લોકોને જ નુકશાન પહોંચાડી શકે છે. આથી લોકોએ બેદરકારી રાખવાને બદલે માસ્ક પહેરવુ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા સહિતની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવુ અતિ આવશ્યક છે.

 

(10:27 am IST)