Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ પંચાયતો ચૂંટણીનું સ્પષ્ટ થતું ચિત્રઃ ર૬ ગામો સમરસ, ૧૩૦ પંચાયતો માટે તા. ૧૯ના રોજ થશે મતદાન

(કૌશલ સવજાણી દ્વારા) જામખંભાળીયા તા. ૮ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા ચાર તાલુકાઓમાં ૧૯ ડીસેમ્બરના રોજ યોજાનાર ૧પ૬ ગ્રામ પંચાયતની સામાન્ય તથા ૧૮ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણી બાદ ગઇકાલે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં કુલ ર૬ ગ્રામ પંચાયત સમરસ બની છે. અને ૧૩૦ ગ્રામ પંચાયત માટે મતદાન થશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુરમાં તથા દ્વારકા તાલુકાની ૧પ૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે ૬ર૯ ફોર્મ તથા સભ્ય પદ માટે કુલ ર૬ર૮ ફોર્મ ભરાયા હતાં. જયારે સોમવારે ફોર્મ ચકાસણીમાં સરપંચ પદનું એક તથા સભ્યપદના ૯ ફોર્મ રદ થતાં અનુક્રમે ૬ર૮ તથા ર૬૧૯ ફોર્મ માન્ય રહ્યા હતાં.
આ બાદ ગઇકાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિને સરપંચ તથા સભ્યપદ માટે ખંભાળીયામાં અનુક્રમે ૧ર૧ અને ૪૬ ફોર્મ, ભાણવડ તાલુકાં ૩૧ અને ૧૭ ફોર્મ, કલ્યાણપુર તાલુકામાં અનુક્રમે ૭૦ અને ૪૦ ફોર્મ જયારે દ્વારકામાં સરપંચ પદના ૩૭ અને સભ્યપદના ર૬ ફોર્મ પરત ખેચાયા છે.
આમ, ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણી  ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં ખંભાળીયા તાલુકામાં સરપંચ પદ માટે ૧૭૧ અને સભ્યપદ માટે ૯૭૧ ઉંમેદવારો, ભાણવડ તાલુકામાં સરપંચ પદ માટે પ૪ અને સભ્યપદ માટે ૩૧પ ઉંમેદવારો, કલ્યાણપુર તાલુકામાં સરપંચ પદ માટે ૮૪ અને સભ્યપદ માટે પર૯ ઉંમેદવારો, દ્વારકા તાલુકામાં સરપંચ પદ માટે ૩ર અને સભ્યપદ માટે ૧૯૮ ઉંમેદવારો મળી, ચાર તાલુકાની ૧૩૦ ગ્રામ પંચાયત માટે ૩૪૧ સરપંચ અને ર૦૧૩ સભ્યપદના ઉંમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જયારે જિલ્લાની ૧૮ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી પણ તા. ૧૯ ના રોજ થશે. જે અંગે હવે કડકડતી ઠંડીમાં પ્રચારના ધમધમાટનો ગરમાવો બની રહેશે.
અત્રે ઉંલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગ્રામ પંચાયતમાં કુલ ૧,પ૪,૮૬૩ પુરૂષ મતદારો અને ૧,૪૪,પરપ સ્ત્રી મતદારો તથા પ અન્ય મળી, કુલ ર,૯૯,૩૯૩ મતદારો છે. જિલ્લામાં આ ચૂંટણી કાર્ય સુપેરે સંપન્ન થાય તે માટે કુલ ૪૦ ચૂંટણી અધિકારીઓની નિયુકિત કરવામાં આવી છે.
સમરસ જાહેર થયેલી ગ્રામ પંચાયત
ખંભાળીયા તાલુકાના દાત્રાણા, પરોડીયા, ભારા બેરાજા, માંઝા, બજાણા, કંડોરણા, પીર લાખાસર અને ભટ્ટગામ ગ્રામ પંચાયત જયારે ભાણવડ તાલુકામાં ઝરેરા, હાથલા, મોરઝર, મોટા કાલાવડ, વિજયપુર, ઘુમલી મેવાસા અને ગુંદલા ગામો કલ્યાણપુર તાલુકાના ગાંગડી, રણજીતપુર, જોધપુર અને વીરપુર લુસારી ગામો તેમજ દ્વારકા તાલુકાના ચરકલા, કોરાડા, મેરીપુર, નવી ધ્રેવાડ, કલ્યાણપુર, મેવાસા અને વાંચ્છુ ગામો મળી કુલ ર૮ ગામોને સમરસ જાહેર કરાયા છે.

 

(11:34 am IST)