Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જામનગરના કોંઝા ગામમાં આઝાદીકાળથી ગ્રામપંચાયતની ચૂંટણી જ નથી થઈ, સમરસતાની અનોખી પરંપરા ગામે જાળવી રાખી છે

જામનગરમાં આઝાદીથી આજ દિવસ સુધી ગ્રામ પંચાયત અમલી બન્યા બાદ જામનગરના કોંઝા ગામે ગ્રામપંચાયતમાં સભ્ય કે સરપંચ માટે ચુંટણી જ નથી થઇજે સમગ્ર ગુજરાતમાં પ્રેરણારૂપ છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૮ :  ગુજરાતમાં ૧૦ હજારથી વધુ ગ્રામ પંચાયતનો આગામી ૧૯ મી ડિસેમ્બરે ચૂંટણી સંગ્રામ થવાનો છે. ત્યારે જામનગરમાં આઝાદી કાળથી ગ્રામ પંચાયત અમલમાં આવ્યા ના આજ દિવસ સુધી કોંઝા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જ નથી થઈ. છેલ્લા ૬૦ વર્ષથી ૧૨ ટર્મ દરમ્યાન અહીં સમરસ જ ગ્રામ પંચાયત બની રહી છે.

૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારથી જ ભારતમાં લોકશાહી ચાલી રહી છે. લોકશાહીના આધાર સ્થંભ ગણાતા ગ્રામપંચાયત ની છેલ્લી ૧૨ ટર્મથી અહીં ચૂંટણી જ નથી થઈ. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે અનેક ગામોમાં સામ-સામે સ્થાનિક આગેવાનો દ્વારા ચૂંટણી લડવા ફોર્મ ભરાઈ ગયા છે. ત્યારે જામનગરના કોંઝા ગામના ગ્રામજનો અને અગ્રણીઓ ગામ પંચાયત ના સુકાનીઓ પણ સાથે મળી એકસંપથી નક્કી કરવામાં આવ્યા છે. અને સમરસ ગ્રામ પંચાયત થઈ છે.

જામનગર તાલુકાના કોંઝા ગામમાં ૫૫૦ લોકોની વસ્તી ધરાવે છે. જેમાં મુખ્યત્વે પટેલ, ક્ષત્રિય, બ્રાહ્મણ, પ્રજાપતિ, ભરવાડ, કોળી, દલિત અને ચારણ-ગઢવી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે આ કોંઝા ગામમાં દરેક સમાજ માટે નાત-જાતના ભેદભાવ વગર એક સાર્વજનિક સમાજ વાડી નું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જયાં નાના-મોટા પ્રસંગો પણ બધા સાથે મેળવી ઉકેલે છે.

૧૯૬૧થી ૨૦૨૧ સુધી જામનગરના કોંઝા ગામમાં સમરસ ગ્રામ પંચાયત જ થતા ગામના સંપ અને એકબીજા પર વિશ્વાસ ને લઈને જામનગરનું કોંઝા ગામ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ છે.ઙ્ગ

જામનગર તાલુકાનું કોંઝા ગામ વર્ષ ૨૦૦૩માં તિર્થ ગામ તરીકે ખ્યાતિ મેળવી ચૂકયું છે. ત્યારબાદ વર્ષ ૨૦૦૮માં નિર્મળ ગામ પણ બન્યું હતું. ૨૦૧૬મા૦ સમગ્ર ગામ ODF યોજના અંતર્ગત હર-ઘર શૌચાલયથી સજ્જ છે.

કોંઝા ગામમાં ૧૯૬૧ થી અત્યાર સુધી ના સમસર ગ્રામપંચાયત ના સરપંચની વાત કરીએ તો ૧૯૬૧માં ગ્રામપંચાયત અમલી બની ત્યારે માવજીભાઈ વસ્તાભાઇ તાળા સર્વાનુમતે સરપંચ બન્યા હતા ત્યારબાદ કેશાભાઈ માધાભાઈ અમરેલીયા, છેલશંકર જેશંકર જાની બે ટર્મ સુધી સર્વાનુમતે સમરસ ગ્રામ પંચાયત ચલાવી હતી. ત્યારબાદ મોહનભાઈ ચનાભાઈ નારીયા, અમરસંગ મેરુજી કેર બાદ બે ટર્મ સુધી મુકુંદભાઈ ખોડાભાઈ સભાયા અને સ્ત્રી અનામત હોવાથી ત્રીજી ટર્મ તેમના પત્ની રમીલાબેન મુકુંદભાઈ સભાયા સમરસ ગ્રામ પંચાયતના સુકાની થઈ સરપંચ બન્યા હતા ત્યારબાદ પણ સ્થાનિકોએ મુકુંદભાઈ સભાયા ઉપર ભરોસો મૂકી ફરીથી ગામના દસમા સરપંચ તરીકે મુકુન્દભાઈ સભાયા ની ગ્રામ પંચાયતની ધૂરા સોંપી હતી. ફરી ગામમાં ચૂંટણી આવતા અનુસૂચિત જાતિના સરપંચ પદ માટે અનામત હોવાથી ગ્રામજનોએ ગામના જ જીવાભાઇ કરસનભાઈ હિંગળાને ૫ વર્ષ માટે સરપંચ બનાવ્યા હતા અને ફરી ચૂંટણી આવતા મુકુંદભાઈ ખોડાભાઈ સભાયા ગામના સરપંચ થયા હતા. ફરી ૧૩મી ગ્રામ પંચાયતની ચૂંટણી કોંઝા ગામે આવી છે. ત્યારે ગ્રામજનોએ સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જાળવી દિવ્યેશ ભાઈ પરષોત્ત્।મભાઇ સંચાણીયા ને નવા સરપંચ તરીકે સર્વાનુમતે નક્કી કર્યા છે અને આ સિવાય કોઈ ગ્રામજનોએ સરપંચ પદ કે અન્ય ૮ વોર્ડના સભ્યપદ માટે સમસ્ત કોંઝા ગામના લોકો એ નક્કી કરેલા સભ્યો સિવાય કોઈએ ફોર્મ પણ નથી ભર્યું.

જામનગરના કોંઝા ગામમાં વિકાસની વાત કરવામાં આવે તો, આખા ગામમાં પેવર બ્લોક, સીસી રોડ, ભૂગર્ભ ગટર યોજના, આંગણવાડી, શાળા સહિતની સુવિધાઓ બનાવવામાં આવી છે.તાજેતરમાં જ અતિવૃષ્ટિથી ક્ષતિગ્રસ્ત બનેલ ગામને જોડતા પુલને પણ તાત્કાલિક ગ્રામજનોએ વિવિધ સંસ્થાઓ સાથે મળી સરકારી તંત્ર સાથે ખભેખભા મિલાવી જોડી ગામની એકતાના દર્શન કરાવ્યા હતા. કોંઝા ગામમાં આજ દિવસ સુધી ગ્રામપંચાયત સમરસ થતા સરકાર દ્વારા પ્રોત્સાહન રૂપે કુલ ૧૪ લાખ જેટલા રૂપિયા મળતા આ રકમ થકી ગામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અન્ય ગામો માટે કોંઝા ગામ ગ્રામજનોના સંપ અને સમરસતાની આ પરંપરાને લઈને પ્રેરણારૂપ ચોક્કસ લઈ શકાય છે.

(1:23 pm IST)