Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

દીવ નગર પાલિકા પ્રમુખપદે હિતેશ સોલંકી સસ્પેન્ડ

સીબીઆઇ દ્વારા પાલિકા પ્રમુખ સોલંકી સામે અગાઉ ભ્રષ્ટાચારની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ થયો હતો તે ધ્યાને રાખીને સસ્પેન્ડનો હુકમ

(નીરવ ગઢિયા દ્વારા) ઉના, તા. ૮ :  દીવ નગર પાલિકાના પ્રમુખ હિતેશ સોલંકીને તેના નગરપાલિકા પ્રમુખપદ ઉપરથી સસ્પેન્ડ કરવાનો હુકમ સંધપ્રદેશના ડાયરેકટર ડો. તપસ્યા રાઘવે કરતા ચકચાર જાગી  છે.

અગાઉ હિતેશ સોલંકી સામે  સીબીઆઇ દ્વારા ભ્રષ્ટાચારની વિવિધ કલમો તથા અન્ય કલમો હેઠળ સેશન્સ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તે ધ્યાને રાખીને દીવ નગરપાલિકા પ્રમુખપદેથી હિતેશ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે.  વર્ષ ર૦૧૭માં થયેલી દીવ નગરપાલિકાની ચૂંટણીમાં વિજય પામેલા કાઉન્સીલર હિતેશભાઇ સોલંકીને નગરપાલિકાના પ્રમુખ બનાવમાં આવ્યા હતા. તેમને સંઘપ્રદેશના ડાયરેકટર ડો. તપસ્યા રાઘવે તેઓને તેમના પદ પરથી સસ્પેન્ડ કરી દેવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ પ્રમુખ હિતેશ સોલંકી પર સીબીઆઇ દ્વારા દીવ સેશન્સ કોર્ટમાં ૧૦૯, ૧ર૦, બી, ૪ર૦, ૪૬૭, ૪૭૧ અને આઇપીસી કલમ ૧૩ (ર) તથા ૧૩(૧) ઇ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યા હોય તેને ધ્યાનમાં રાખીને તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરિપત્ર મુજબ આ કેસ ગત તા. ર૭-ર-ર૦ર૦ ના રોજ દાખલ કરવામાં આવ્યો છે.

(1:26 pm IST)