Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મહાપ્રસાદમાં રોજ ૩ મીઠાઈ-૨ ફરસાણ : એક સાથે ૧ લાખ માણસોના દાળ-શાક બની શકે તેવા તપેલા

અમરેલીવાળા અરજણ ભગતની ટીમ કાર્યરતઃ ૧ાા કલાકમાં ૧ાા લાખ માણસોને જમાડવાની વ્યવસ્થા : ૬ હજાર ડબ્બા તેલ, ૨ હજાર ડબ્બા ઘી, ૬ હજાર મણ ચોખા વપરાશે

રાજકોટ, તા. ૮ :. સરધારના આંગણે તા. ૧૦ થી ૧૮ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. તેમા લાખો હરીભકતો હાજરી આપશે. તમામ માટે બન્ને સમય ગરમાગરમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અમરેલીના સુપ્રસિદ્ધ અરજણ ભગત સંચાલિત શ્યામ કેટરર્સએ ભોજનાલયની કામગીરી સંભાળી છે.

અરજણ ભગતે જણાવ્યા મુજબ જિલ્લાવાર તેમજ વીઆઈપીઓ માટે અલગ ભોજનાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જગ્યાએ ભોજનની સામગ્રી એક સરખી જ રહેશે. દરરોજ બપોરે ૩ મિઠાઈ અને બે ફરસાણ ઉપરાંત દાળ, ભાત, રોેટલી, શાક સાથેનો મહાપ્રસાદ આપવામાં આવશે. સાંજે રોટલી, પુરી, કઢી, ખીચડી, શાક સહિત મહાપ્રસાદ પીરસવામાં આવશે. મોહનથાળ, અડદીયા, ટોપરા પાક, સીંગ પાક, મોતીચુર વગેરે મિઠાઈઓ તેમજ સેવખમણી, ભજીયા, ઢોકળા, ચવાણુ વગેરે પીરસાશે. દરરોજ અલગ અલગ ભોજન સામગ્રી રહેશે.

તેમના જણાવ્યા મુજબ આજે રસોઈ બનાવવા માટે ૧૦૦ માણસો કાર્યરત છે. આવતીકાલથી ૫૦૦ માણસો કામે લાગશે. એક સાથે ૧ લાખ લોકો માટે દાળ-શાક બની શકે તેવા તપેલાનો ઉપયોગ કરવામાં આવશે. પ્લાસ્ટિકની દોઢ લાખ ડીસ તૈયાર રાખવામાં આવી છે. ભોજનનો સમય બપોરે ૧૦ થી ૩ અને સાંજે ૭ થી ૧૦ સુધીનો રહેશે. દોઢ કલાકમાં દોઢ લાખ માણસોને જમાડી શકાય તેવી બુફેની વ્યવસ્થા છે. કાઉન્ટર પર સ્વયંસેવકો સેવા આપશે. ૧૦ દિવસમાં કુલ ૬૦૦૦ ડબ્બા તેલ, ૨૦૦૦ ડબ્બા શુદ્ધ ઘી, ૨૦૦૦ મણ ચોખા, ૧૦,૦૦૦ મણ ઘઉંનો લોટ વગેરેનો વપરાશ થવાની ધારણા છે. સંખ્યામાં વધઘટ પ્રમાણે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. બન્ને સમય મળી અઢી લાખ માણસો ભોજન લ્યે તેવો હાલનો અંદાજ છે.

(2:59 pm IST)