Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

શુક્રવારથી સરધારમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવઃ ભવ્ય છાત્રાલયનું ભૂમિપૂજન

પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ સ્વામી હમ દાસા... : પ્રથમ દિવસે ભૂપેન્દ્રભાઇ અને સી. આર. પાટીલ તથા બીજા દિવસે અમિતભાઇ શાહ આવશેઃ નિત્યસ્વરૂપદાસજી સ્વામીના વડપણમાં અભૂતપૂર્વ અવસરની તૈયારી : ૧પપ ફુટ લંબાઇ, ૧૦પ ફુટ પહોળાઇ અને ૮૧ ફુટ ઉંચાઇના સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ મંદિરના સિંહાસનમાં ૪૦ કિલો સોનાનો ઉપયોગઃ નકશીવાળા ૧૦૮ સ્તંભ, ૧૦૮ કમાન, ૧૬ ધુમ્મટ મહોત્સવ નિમિતે ૧૦૦૦ કુંડી યજ્ઞ, દર્શનીય પ્રદર્શન, સંત દર્શન સાથે સત્સંગનો લાભ કથાનો સમય દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧ બપોરે ૩ થી પ.૩૦: રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો

સંતોનું શરણુ : આજે સરધાર ખાતે સ્વામિનારાયણ મંદિરના વડા સુપ્રસિધ્ધ કથાકાર શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ પત્રકારો સાથે વાતચીત કરેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે શ્રી પતિતપાવન સ્વામી, શ્રી બાલમુકુંદ સ્વામી, ભાજપના વિભાગીય પ્રવકતા રાજુભાઇ ધ્રુવ, અન્ય અગ્રણીઓ નાગદાનભાઇ ચાવડા, મનીષ ચાંગેલા, નીતિન ઢાંકેચા, ચેતન રામાણી, ચેતન પાણ, અરૂણ નિર્મળ વગેરે ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૮ :. શહેરથી ૨૭ કિ.મી. દૂર ભાવનગર રોડ પર આવેલ સરધારમાં 'જય સ્વામિનારાયણ'નો નાદ ગુંજી રહ્યો છે. ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં તા. ૧૦ થી ૧૮ સુધી અભૂતપૂર્વ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પ્રથમ દિવસે તા. ૧૦મીએ સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આવી રહ્યા છે. બીજા દિવસે તા. ૧૧મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સવારે ૧૦ વાગ્યે મહોત્સવમાં હાજરી આપશે. તેમજ ૨ હજાર વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયનું ભૂમિપૂજન કરશે. મહોત્સવમાં સેંકડો હરિભકતો ઉમટી પડશે. રોજ સત્સંગ ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન છે.

સરધાર મંદિરના વડા શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ પત્રકારોને જણાવેલ કે, સરધાર ગામે આજથી ર૦૦ વર્ષ પૂર્વ ભગવાન શ્રી સ્વામિનારાયણે 'ભવિષ્યમાં અહીંયા મોટું મંદિર થશે' એવો આશીર્વાદ આપ્યો હતો તેવી અતિ પ્રાસાદિક જગ્યામાં સૌરાષ્ટ્રના નજરાણારૂપ કલાત્મક નકશીકામ યુકત ૭૦,૦૦૦ ઘનફૂટ બંસીપહાડપુર ગુલાબી પથ્થરમાં ૧પપ ફૂટ લંબાઇ અને ૧૦પ ફૂટ પહોળાઇ તેમજ ૮૧ ફૂટ ઉંચાઇ ધરાવતું વિશાળ પાંચ શિખરયુકત શ્રી સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય મંગલ 'મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ' તા. ૧૦ થી ૧૮ ડીસેમ્બર ર૦ર૧ સુધી વડતાલ દેશ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-હરિભકતોની ઉપસ્થિતિમાં ભવ્યતાથી ધામધુમપૂર્વક ઉજવાશે. આ મહોત્સવ પ્રસંગે સત્સંગ કથાપારાયણ, સહસ્ત્રકુંડી શ્રી હરિ યજ્ઞ, ભવ્ય પ્રદર્શન તેમજ વિવિધ મેડીકલ નિદાન કેમ્પો વગેરે આધ્યાત્મિક-સામાજિક સેવાકાર્યો પણ યોજાશે. સૌને લાભ લેવા સંતોનું ભાવભર્યું આમંત્રણ છે.

આવા મહિમાવંત તીર્થધામ સરધારને આંગણે સ્વામિ શ્રી નિત્યસ્વરૂપદાસજીના પ્રેરણાત્મક માર્ગદર્શનથી અને સમગ્ર સત્સંગ સમાજના સાથ-સહકારથી પાંચ શિખર સહિત ૭૦ હજાર ધનફૂટમાં બંસીપહાડ પથ્થરમાં ૯૯*૧પપ ફુટના ઘેરાવાવાળું અને ૮૧ ફુટ ઊંચાઇવાળું તૈયાર થતા શિલ્પ સ્થાપત્યમાં સંપ્રદાયના નજરાણારૂપ બન્યું છે. આ મંદિરમાં ૧૬ ધુમ્મટ અને ૧૦૮ સ્તંભ તેમજ ૧૦૮ કમાન છત કોલસા નકશીકામ યુકત ભવ્ય મંદિર તૈયાર થયું છે. સિંહાસનમાં ૪૦ કિલો સોનાનો ઉપયોગ કરાયો છે.

શ્રી નિત્યસ્વરૂપદાસજીના નેતૃત્વમાં જગન્નાથપુરી, મહુવા, ભાવનગર, વિદ્યાનગર, ડોંબીવલી (મુંબઇ) વગેરે સ્થાનોમાં ભવ્ય શિખરબધ્ધ મંદિરો ભારતીય સાંસ્કૃતિક ભવ્યતા અને આધ્યાત્મિક દિવ્યતાની સાથે આકાર લઇ રહ્યા છે તથા ૧૦૦ જેટલા હરિમંદિરોના નિર્માણકાર્ય થઇ ચૂકયા છે. તેમજ ૧૦૦૦ થી વધુ કોલેજીયન વિદ્યાર્થીઓ વિનામૂલ્યે રહેવા-જમવાની આધુનિક સુવિધા પૂર્વક સરધાર-ભાવનગર-મહુવા અને વિદ્યાનગર મંદિર છાત્રાલયમાં રહી સુંદર વિદ્યા-અભ્યાસની સાથે સાથે સત્સંગના દિવ્ય ગુણો પ્રાપ્ત કરી રહ્યા છે.

સ્વામીશ્રીના મુખે પ૦૦ થી વધુ કથાપારાયણો, ૪૦ જેટલી સત્સંગ શિબિરો અને ૧૬ યુવા મહોત્સવો, ૧૩ ટ્રેન યાત્રાઓ તેમજ દીનજન હિતાર્થે વિશાળ હોસ્પીટલ દ્વારા માનવ સેવાયજ્ઞ, ભૂકંપ તેમજ પૂર હોનારતમાં આર્થિક સહયોગ, ભારતીય સૈન્યના શહિદ જવાનોના પરિવારોને આર્થિક અને શૈક્ષણિક સહાય, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ, સામુહિક સ્વચ્છતા અભિયાનોનું આયોજનો, મેડીકલ સહાય તથા સર્વરોગ નિદાન તથા રકતદાન કેમ્પો, કુદરતી આફતો સેવા, ગૌશાળા, વિદેશ ધાર્મિક સત્સંગ યાત્રાઓ અને સત્સંગ સાહિત્ય પ્રકાશન વગેરે કલ્યાણકારી આધ્યાત્મિક-સામાજિક પ્રવૃતિઓ-આયોજનો સેવારત છે.

વર્તમાનકાળે પૂ. સ્વામીનું ૧૦૦થી ઉપરાંત ત્યાગી શિષ્યમંડળ સરધાર-ભાવનગર-મહુવા-વિદ્યાનગર-સુરત-ડોંબીવલી (મુંબઇ) અને જગન્નાથપુરી મંદિરમાં નિવાસ કરીને ભગવાન શ્રીહરિના ભજન-સ્મરણ સહ સંપ્રદાય વિકાસ અને સત્સંગ પ્રચારનું અનેરું કાર્ય કરે છે. સરધાર મહોત્સવ ઐતિહાસિક બની રહેશે. (૭.૩૪)

મહોત્સવમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થશે

નિત્યસ્વરૂપદાસજી સ્વામી કહે છે

રાજકોટઃ સરધાર સ્વામીનારાયણ મંદિરના આંગણે તા. ૧૦થી ૧૮ યોજાનાર ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે આજે શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ પત્રકારોને માહિતી આપેલ. કોરોનાના માહોલ વચ્ચે સેંકડો લોકોની હાજરી સંદર્ભે પત્રકારોએ આ અંગે પ્રશ્ન પૂછતા સ્વામીજીએ જણાવેલ કે, સોશ્યલ ડિસ્ટન્સ અને તપાસણી સહિતની સરકારની ગાઈડલાઈનનું મહોત્સવમાં પાલન કરવામાં આવશે.

(4:13 pm IST)