Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ધોરાજી-ઉપલેટા સીટ પર કોંગ્રેસ ભાજપના જીતના દાવા : ‘‘આપ'' કોના મત તોડશે એ પ્રશ્‍નાર્થ

બંને પક્ષે પાંચથી સાત હજાર મતે જીતતા હોવાનો આશાવાદ : ગુજરાતનો વિકાસ નિહાળી લોકોએ મતદાન કર્યુ છે : મહેન્‍દ્ર પાડલીયા, ધોરાજી ઉપલેટા પંથકમાં મારા કરેલા કામો બોલશે : વસોયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી  તા.૭ : ધોરાજી વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષે જીતના દાવા થઈ રહ્યાં છે. જ્‍યારે આમ આદમી પાર્ટી કોના મત તોડશે તેના પર ધોરાજી ઉપલેટા બેઠક ની હારજીત નિર્ભર હોવાની રાજકીય વિશ્‍લેષકો માં ચર્ચા ચાલી રહી છે.

ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પર ૨,૬૮,૫૧૪ મતદારોમાંથી ૧,૫૩,૫૯૯ મતદારોએ પોતાનો મત આપતા વિધાનસભા ૭૫ બેઠક પર ૫૭.૨૦ ટકા મતદાન નોંધાયું હતું.

મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો જીતની આશા સેવી રહ્યા છે. ૨૦૧૭ના વર્ષમાં કોંગ્રેસ પક્ષેથી લલિત વસોયા ૨૫,૦૦૦ થી પણ વધારે મહત્‍વની લીડ થી ચૂંટાયા હતા ત્‍યારે આ વખતે કોની હાર જીત  થશે. અને કેટલી લીડ થી કોણ ઉમેદવાર ચુંટાશે તેના પર અટકડો લાગી રહી છે બંને પક્ષના અગ્રણીઓ દ્વારા પાંચ થી સાત હજાર મતોથી ચૂંટાવવાના દાવા થઈ રહ્યા છે. ત્‍યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસના કે ભાજપના જેમના પણ મત કાપશે તેના પર હાર જીતનો દારોમદાર હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ભાજપ પક્ષના ઉમેદવાર મહેન્‍દ્રભાઈ પાડલીયા જીતનો વિશ્વાસ વ્‍યક્‍ત કરી રહ્યા છે અને નરેન્‍દ્ર ભાઈ મોદી નો ચહેરો અને ગુજરાતમાં વિકાસની થયેલી વણઝાર પર લોકો ભાજપ પક્ષે મતદાન કર્યું હોવાની અપેક્ષા રાખી રહ્યા છે.

સામેની બાજુએ લલિત વસોયાએ જણાવેલ કે ધોરાજી ઉપલેટા પંથકમાં જે પ્રમાણે વિસ્‍તારના પ્રાથમિક અને આવશ્‍યક કામો પૂર્ણ કર્યા છે તેને ધ્‍યાનમાં લઇ લોકોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોવાનો આશાવાદ વ્‍યકત કરી રહ્યા છે.

લેવા પટેલ અને કડવા પટેલ ના ઉમેદવારો વચ્‍ચે અમુક અંશે જાતિવાદનું રાજકારણ પણ ચાલ્‍યું હતું . ત્‍યારે આવતીકાલે જ્‍યારે મતગણતરી થશે. ત્‍યારે ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠકનું ચિત્ર સ્‍પષ્ટ થશે હાલ તમામ રાજકીય રસીયાઓ પોતપોતાના આંકલન કરી રહ્યા છે.

(11:35 am IST)