Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

જસદણ બેઠકની મતગણતરી શરૂ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૮: જસદણ વિધાનસભા બેઠક માટે મતગણતરી  આજે સવારે આઠ કલાકે કણકોટ એન્‍જિનિયરિંગ કોલેજ રાજકોટના આઇસી બિલ્‍ડિંગના પહેલા માળે શરૂ થઈ છે. જસદણ બેઠક માટે કુલ ૧૯ રાઉન્‍ડમાં મત ગણતરી પૂર્ણ થશે. એક સાથે કુલ ૧૪ ટેબલ ઉપર  મતગણતરી શરૂ થઈ છે. સૌ પ્રથમ જસદણ બેઠક માટે અંદાજે ૧૩૭૪ પોસ્‍ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ છે. ત્‍યાર બાદ ૮.૩૦ કલાકે ઇવીએમમાંથી મત ગણતરી શરૂ થશે. પહેલા  બે રાઉન્‍ડમાં ભાડલા જિ.પં. બેઠક હેઠળના ગામો, ત્રીજા રાઉન્‍ડમાં કમળાપુર જિ.પં. બેઠક હેઠળના ગામો, પાંચમાં રાઉન્‍ડમાં વિછીયા જિ.પં. બેઠક હેઠળના ગામો,  આઠમાં અને નવમા રાઉન્‍ડમાં આટકોટ જિ.પં. બેઠક હેઠળના ગામો, દશામાંમાં  અને અગિયારમાં રાઉન્‍ડમાં જસદણ શહેરનાં મતદાન મથકના ઇવીએમ ખુલ્‍યા હતા.

જસદણ વિધાનસભા બેઠક માટે નોંધાયેલા ૧,૩૪,૦૩૩ પુરુષ તથા ૧,૨૨,૩૧૨સ્ત્રી મતદારો મળી કુલ ૨,૫૬,૩૪૫ મતદારો પૈકી ૯૦૧૧૩  પુરુષ મતદારો તથા  ૬૯૭૦૬ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૫૯,૮૧૯ મતદારોએ મતદાન કરતા સરેરાશ ૬૨.૩૫  ટકા મતદાન નોંધાયું હતું. જસદણ બેઠકના ચૂંટણી અધિકારી રાજેશ જી. આલ, નાયબ ચૂંટણી અધિકારી સંજયસિંહ અસવાર, નાયબ મામલતદારો બી.એચ. કાછડીયા, દિનેશભાઈ આચાર્ય, રાજાવડલાભાઈ સહિતની જસદણ ચૂંટણી તંત્રની ટીમ દ્વારા મતગણતરી માટે કામગીરી શરૂ કરવામાં આવી છે.

જસદણ બેઠક માટે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળીયા તેમજ કોંગ્રેસના ઉમેદવાર ભોળાભાઈ ગોહિલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજસભાઈ ગાજીપરા સહિતના કુલ પાંચ ઉમેદવારોનું ભાવિ  ખુલવનું શરૂ થયું છે.

(10:38 am IST)