Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

સોરઠની પાંચ બેઠકની મતગણતરીમાં જૂનાગઢ સીટ પર ભાજપ સતત આગળ

માણાવદર-કેશોદમાં પણ ભાજપ આગળ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૮ : સોરઠની વિધાનસભાની પાંચ બેઠકની મતગણતરી જૂનાગઢમાં કૃષિ ઇજનેરી કોલેજ ખાતે સવારથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રચિત રાજનાં માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ વિસાવદર, કેશોદ, માણાવદર અને માંગરોળ વિધાનસભાની સીટની મત ગણના અગાઉ બેલેટ પેપર મતોની ગણતરી કરવામાં આવી હતી. આ પછી સવારના આઠ વાગ્‍યાથી મતગણતરીનો ઉતેજના વચ્‍ચે પ્રારંભ કરાયેલ.

આજે સવારથી પાંચ બેઠકના કુલ ૩૪ ઉમેદવારોના રાજકીય ભાવીની ગણતરી શરૂ થઇ હોવાથી મતદાન ગણતરી સ્‍થળે પરિણામ જાણવા માટે મોટી સંખ્‍યામાં લોકો ઉમટી પડયા છે. અત્રે કાયદો વ્‍યવસ્‍થા અને સુરક્ષા જળવાય રહે તે માટે ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

જૂનાગઢ ખાતે વિસાવદર બેઠકની મત ગણતરી ૨૨ રાઉન્‍ડમાં, જૂનાગઢ-૨૧, માણાવદર-૨૦, કેશોદ-૧૯ અને માંગરોળ સીટની ગણના ૧૭ રાઉન્‍ડમાં હાથ ધરવામાં આવી છે.

પ્રારંભીક તબક્કામાં કેશોદ સીટ પર ચાર રાઉન્‍ડની ગણતરી પૂર્ણ થતા ભાજપના દેવાભાઇ માલમ ૧૪,૬૮૯ મતથી આગળ હતા. જ્‍યારે માણાવદર બેઠક પર પણ ત્રણ રાઉન્‍ડમાં ભાજપના જવાહર ચાવડા  ૧૦,૦૯૦ મતથી આગેકૂચ કરી રહ્યા હતા.

જૂનાગઢ બેઠક પર છ રાઉન્‍ડના અંતે ભાજપના સંજયભાઇ કોરડીયા ૨૬,૮૮૯ મતથી હરીફ ઉમેદવારોથી આગળ ચાલી રહ્યા હતા.

જ્‍યારે માંગરોળ અને વિસાવદર સીટની ગણતરી ચાલી રહી છે.

(11:22 am IST)