Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કચ્છમાં મોદી મેજિક: ભાજપનું વિજયી બુલડોઝર ફર્યું: કોંગ્રેસની કારમી હાર, આપનું ખાતું ન ખુલ્યું, ભાજપે ૬ એ ૬ બેઠક જીતી ઇતિહાસ રચ્યો

અબડાસા, ભુજ, માંડવી, અંજાર, ગાંધીધામની બેઠકો સરસાઇ સાથે જીતી, રાપરનો ગઢ પણ આંચકી લીધો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૮

 કચ્છમાં ૧૯૯૦ થી બહુમતી બેઠકો જીતીને જીતની શરૂઆત કરનાર ભાજપે આ વખતે પ્રથમ જ વાર ૬ એ ૬ બેઠકો જીતી રાજકીય ઈતિહાસ રચ્યો છે. કચ્છ જિલ્લો ભાજપનો ગઢ છે એ વિશે ગઈકાલે ગત ૭ વિધાનસભા ચૂંટણીઓ ના આંકડા સાથે અકિલા એ અંદેશો આપ્યો હતો. આ ચુંટણીના પરિણામોએ ફરી એક વખત કચ્છમાં કમળ ખીલવી ભાજપનો ગઢ અકબંધ હોવાનું દર્શાવ્યું છે. જોકે, જે રીતે આપ અને ઓવેસીની પાર્ટીની એન્ટ્રી હતી અને મતદાનની ટકાવારી ઓછી હતી એ જોતાં પરિણામો વિશે સહુ કોઈ રાજકીય તર્ક વિતર્કો કરી રહ્યા હતા. પણ, જો જીતનો શ્રેય આપવો હોય તો સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે કે આ મોદી મેજિક છે. કારણકે, કચ્છ જિલ્લામાં ભાજપના ઉમેદવારોએ ઝળહળતી જીત મેળવી છે. તેમાંયે ભુજ બેઠક ઉપર કેશુભાઈ પટેલ, માંડવી બેઠક ઉપર અનિરુદ્ધ દવે, અંજાર બેઠક ઉપર ત્રિકમ છાંગા, ગાંધીધામ બેઠક ઉપર માલતીબેન મહેશ્વરીએ જંગી બહુમતી સાથે જીત હાંસલ કરી છે. અબડાસા અને રાપર એ બન્ને બેઠકો ઉપર રસપ્રદ જંગ રહ્યો. ભાજપના વીરેન્દ્રસિંહ જાડેજાએ પાતળી બહુમતી સાથે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી ભાજપને વિજય અપાવ્યો છે. જ્યારે અબડાસા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર છેવટ સુધી આગળ રહ્યા પણ અંતિમ પાંચ રાઉન્ડમાં પરિણામ ફેરવાઈ ગયું અને ભાજપના પ્રધ્યુમનસિંહ જાડેજા જીતી ગયા. આમ, કચ્છમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. ખાતું ખોલવાની આમ આદમી પાર્ટીના મનસુબા ઉપર પાણી ફરી વળ્યુ. જ્યારે ભુજમાં ઓવેસીની પાર્ટીના ઉમેદવાર બીજા ક્રમે રહ્યા. કોંગ્રેસ પાછળ રહી ગઈ.

(3:01 pm IST)