Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

ગોંડલમાં કોરોના કહેર : રોજના ૩૦૦ ટેસ્ટિંગ સામે ૧૦૦ પોઝીટીવ તંત્રમાં આંકડાની ગોલમાલ

સરકારી હોસ્પિટલોમાં એક બાજુ સ્ટાફની અછત તો બીજી બાજુ અમુક સ્ટાફને ડેપ્યુટેશન ઉપર મોકલતા ચર્ચાનો વિષય

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ,તા. ૯: ગોંડલ શહેર અને પંથકમાં કોરોના વાઇરસની બીજી લહેરને કારણે દિન પ્રતિદિન વધતા જતા કોરોના વાઇરસ ના કેસને લઈને તંત્રમાં ચિંતાનું મોજું ફરિવળ્યુંછે તો બીજી બાજુ લોકોમાં પણ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કના અભાવને લઈને કોરોના વાઇરસ એ કહેર મચાવ્યો છે.ગોંડલ સરકારી હોસ્પિટલમાં ૫૪ બેડ ની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે આ હોસ્પિટલ દર્દીઓથી જાણે સિનેમાના શોની જેમ હાઉસ ફૂલ થઈ જવા પામી છે.

ગોંડલ સરકારી હોસ્પિટલમાં કોરોના વાઇરસનું ટેસ્ટિંગ રોજના ૩૦૦ થાય છે જેમાંથી સૌથી વધુ પોઝિટિવ કેસ આવતા હોય જેમને જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં એડમિટ કરી અન્યને હોમ કોરોન્ટાઇન કરવાની ફરજ પડતી હોય છે ત્યારે સરકારી તંત્ર દ્વારા આંકડાની ગોલમાલ કરીને સાચા આંકડાઓ કોરોના દર્દી થી અલગ આવતા હોવાથી લોકો પણ બીન્દાસ્ત ટહેલતા હોય છે જેમને લઈને લોકો બે ખોફ ફરી રહ્યાં છે સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ કરવા આવતા લોકો પણ હોસ્પિટલના કપાઉન્ડમાં જાણે મેળો ભરાયો હોય તેમ ટોળે વળીને ગપ્પા મરતા હોવાના દ્રષ્યો નજરે પડે છે.

તો બીજી બાજુ છેલ્લા ઘણા વર્ષોથી હોસ્પિટલમાં સ્ટાફની અછત હોવા છતાં તંત્ર દ્વારા ભરતી કરવામાં ન આવતી હોવાથી ગોંડલ સરકારી હોસ્પિટલ ૧૫૦ બેડની વ્યવસ્થા હોવા છતાં મોટા ભાગના કેસો રાજકોટ રીફર કરવામાં આવતા હોય છે જે અંગેની રજૂઆતો ગોંડલની સામાજીક સંસ્થાઓ દ્વારા હોસ્પિટલમાં ઘટતા સ્ટાફને પૂરવા અંગેની વારંવાર રજુઆતો બેહરા કાને અથડાઈ છે. ત્યારે આવી મહામારીને લઈને અમુક સ્ટાફને ડેપ્યુટેશન મોકલતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જયારે કોરોનાની પ્રથમ લહેરમાં ખટારા સ્ટેન્ડ પાસે આવેલ અમૃત હોસ્પિટલ ફરી પાછી સરકાર હસ્તક લઈને ચાલુ કરવામાં આવે તેમજ અન્ય ખાનગી હોસ્પિટલના પચાસ ટકા બેડ રિઝર્વ કરી ખાનગી હોસ્પિટલમાં પણ કોરોના નાં દર્દીઓની સારવાર કરવામાં આવે જેથી શહેર તેમજ તાલુકાના કોરોનાના દર્દીઓને રાજકોટ રીફેર કરવાની જરૂર ન પડે જે અંગે સ્થાનિક ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય એ સરકાર શ્રી અને આરોગ્ય વિભાગમાં રજુઆત કરી તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ઘટતા સ્ટાફને પૂરતો કરવામાં આવે અને ગોંડલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય સ્ટાફને ડેપ્યુટેસન પર ન મોકલવાનો આદેશ જારી કરવામાં આવે તેવી તાકીદે જરૂરીયાત ઉભી થઇ છે. કોરોના મહામારી ની સ્થિતિ વધુ વણશે તે પહેલાં લોકો એ પણ પોતાની જાગૃતતા દાખવીને સરકારી ગાઈડ લાઇન નું ચુસ્ત પણે પાલન કરવું પણ જરૂરી બન્યું છે.જયારે આ વાઇરસ ને રોકવા સોશિયલ ડિસ્ટન તેમજ માસ્ક જરૂરી હોય તેમ પ્રથમ લહેરની કોરોનાના દર્દીઓને તેમજ હોમ કોરોન્ટાઇન કરેલા દર્દીઓના રેસિડેન્ટ ઉપર કોરોના વાઇરસ સંક્રમણના બોર્ડ મારવા જેથી અન્ય વ્યકિત તેમના સંપર્કમાં આવતા અટકી શકે અને આ કોરોના વાઈરસની બીજી લહેર ઘાતક હોય જેથી સરકારી તંત્રની સાથે લોકો પણ સાવચેત રહે સરકાર દ્વારા પાડવામાં આવેલ ગાઈડ લાઇનનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે જે જરૂરી બનવા પામ્યું છે.

(11:28 am IST)