Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

આડેધડ રેશનકાર્ડ રદ્દ કરવાના સરકારના નિર્ણંયનો મોરબીમાં વિરોધ.

રીટર્ન ભરતા અને ૧૦,૦૦૦થી વધુ આવક ધરાવનારના રેશનકાર્ડ કમી કરવાના નિર્ણય અન્યાયી : બીપીએલની વ્યાખ્યામાં ન આવતા હોવા છતાં કાર્ડધારકો હોય તેની તપાસ કરવા માંગ

મોરબી : રાજ્ય સરકારે ઇન્કમ ટેક્સ રીટર્ન ભરતા અને ૧૦,૦૦૦થી વધુ આવક ધરાવનારના રેશનકાર્ડ રદ કરવાના નિર્ણય જાહેર કર્યો છે. તેથી મોરબીના કોંગ્રેસના અગ્રણીએ આ નિર્ણયનો વિરોધ કરી સામાન્ય લોકોના હિતમાં નિર્ણય રદ કરવા તેમજ અનેક લોકો બીપીએલની વ્યાખ્યામાં ન આવતા હોવા છતાં કાર્ડધારકો હોય તેની તપાસ કરવા માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, તાજેતરમાં સરકારી પરિપત્રો દ્વારા જાહેર કર્યા મુજબ રેશનકાર્ડ ધારક પાસે નાના મોટા વાહન હોય, રીટર્ન ભરતા હોય અને ૧૦,૦૦૦થી વધુ આવક હોય, આવા ધારકોનાં રેશનકાર્ડ કમી કરવામાં આવશે પણ કોઈને પણ નાની—મોટી બેન્ક લોન લેવી હોય તો ફરજિયાત રિટર્ન ભરવુ પડે છે પછી તેની આવક હોઈ કે ન હોય અને દરેક લોકોને રિટર્ન કઢાવવામાંથી હજાર દોઢ હજારનો ખર્ચ થાય છે તો આવા નિયમો પ્રજા માટે ભારે મુશ્કેલી ઉભી કરે છે. રેશનધારકો કોઈ મોટા ધંધાર્થી કે જમીનદાર નથી માંડ નાના મોટો ધંધો કરી ઘરબાર ચલાવે છે અને રેશનમાં સરકાર દ્વારા મળતા રાશનથી નિભાવ કરે છે ત્યારે આપનો પરિપત્ર અનેક ગુંચવાડા ઉભા કરે છે.
લોકો માટે સરળ અને સમજાય તેવા નિયમો જરૂરી હકીકતમાં રિર્ટન શા માટે કઢાવે છે તેની વાસ્તવિકતા તપાસનીય છે. રેશનકાર્ડ કમી કરવાના પગલા લેવા જોઈએ જેઓ ખરેખર જરૂરતમંદ પરિવારો આ નિયમથી અનાજ રાશન વિહોણા બની જશે. તો આ નિયમો ફેરવિચારણા કરી અમલવારી થાય તેમ થવા જાહેર જનતાના હિતાર્થે અમારી માંગણી છે. આપના આ નિયમથી હજારો રેશનકારકો રસ્તે રઝળતા થઈ જશે આ ભયાનક મોંઘવારીમાં સરકાર દ્વારા રેશનકાર્ડ પર મળતો પુરવઠો ઘરસંસાર અને કુટુંબ ચલાવવા માટે આશિર્વાદરૂપ છે. તો આ અંગે જરૂરી કાર્યવાહી કરવાની માંગ છે. સરકારે ખરેખર નિયમ જ બનાવવો હોય તો બી.પી.એલ. ધારકોની તપાસ થવી જોઈએ. હજારો બી.પી.એલ. ધારકો મોટા ઉદ્યોગકારો છે જેઓ બી.પી.એલ.ની વ્યાખ્યામાં આવતા નથી તેવા આ કાર્ડધારકો છે તેમની ખાસ તપાસ થવી જોઈએ.તેમ તેઓએ જણાવ્યું હતું.

(11:27 pm IST)