Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ભુજની અદાણી મેડિકલ કોલેજ દ્વારા થતાં સંશોધન અને હોસ્પિટલના સ્ટડી કેસ સંદર્ભે મેડિકલ સાયન્સની બુકનું પ્રકાશન: ખ્યાતનામ ડોક્ટર્સના રીવ્યુ આર્ટિકલ પણ છપાશે

આરોગ્યલક્ષી સંશોધન પ્રવૃતિને પ્રોત્સાહન અપાશે, પ્રથમ અંકનું વિમોચન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૯

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ગેઇમ્સમાં સમયાંતરે કરાતા સંશોધનો અને સ્ટડીકેસથી કચ્છ, ગુજરાત અને દેશના તબીબો, તબીબી વિધાર્થીઓ માહિતગાર બને  તેમજ આરોગ્ય સેવામાં આ સંશોધનો ઉપયોગી સાબિત થાય એ માટે જર્નલ(સામયિક) શરૂ કરવામાં આવ્યું છે. વર્ષમાં બે વાર પ્રકાશિત થનાર આ જર્નલનો પ્રથમ અંક પ્રકટ થઈ ગયો છે. 

આ ગેઇમ્સ જર્નલ ઓફ મેડિકલ સાયન્સના એડિટર-ઇન-ચીફ અને ઇ.એન.ટી. વિભાગના ડો. અને પ્રો.અજિત ખીલનાનીએ કહ્યું કે, જી.કે. અને અદાણી કોલેજમાં હાથ ધરતા આરોગ્યલક્ષી સ્ટડીકેસ, દેશભરના ખ્યાતનામ ડોક્ટર્સ અને પ્રોફેસર્સના રિવ્યુ આર્ટિકલ્સને આ પ્રકાશનમા સ્થાન આપવામાં આવે છે. જેથી આવી અભ્યાસલક્ષી બાબતોથી મેડિકલ ક્ષેત્ર વધુ સમૃદ્ધ થઈ શકે. 

પ્રથમ અંક પ્રકાશિત થઈ ચૂક્યો છે. અને બીજો અંક આગામી દિવસોમાં પ્રકટ કરાશે. પ્રથમ અંકમાં ચાર સંશોધન પત્રો, ચાર સ્ટડીકેસ અને ચાર રિવ્યુ આર્ટીકલ્સને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાવનગર મેડિકલ કોલેજના ફિઝિયોલોજી વિભાગના હેડ અને પ્રો.  ડો. ચિન્મય શાહે ગેસ્ટ કૉલમ પણ લખી છે. 

આ સામયિકના પ્રથમ અંકમાં ગુજરાત અદાણી ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ટ્રસ્ટી અને ડાયરેક્ટર વી.એસ.ગઢવીએ ટીમને અભિનંદન આપતા નોંધ્યું છે કે, આ સામયિકથી સંસ્થાની સંશોધન પ્રવૃતિને પ્રોત્સાહન મળશે. ગેઇમ્સ હેલ્થકેર સર્વિસના હેડ ડો. પંકજ દોશીએ સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. મેડિકલ ડાયરેક્ટર ડો. બાલાજી પિલ્લાઈએ સંદેશામાં લખ્યું છે કે, જી.કે.માં આવતા અભ્યાસલક્ષી ક્લિનિકલ કેસોનું જ્ઞાન પ્રસાર કરવા  ટીમની જહેમત બિરદાવવા યોગ્ય છે. આ ઉપરાંત અદાણી મેડિકલ કોલેજના ડીન ડો. એ.એન.ઘોષે કહ્યું કે, જર્નલથી તબીબી વિધાર્થીઓના જ્ઞાનનું સ્તર ઊંચું આવશે.

(10:30 am IST)