Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

હળવદના માથકમાં પ્રેમલગ્નનો ખાર રાખી વેવાઇનું અપહરણ કર્યું

સસરાનું અપહરણ થતા પુત્રવધૂએ પોતાના પિતા વિરૂધ્‍ધ હળવદ પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાઇ

(દીપક જાની દ્વારા) હળવદ તા. ૯ : તાલુકાના માથક ગામે પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા પિતાએ જમાઈના પિતા એટલે કે વેવાઈનું અપહરણ કરતા આ મામલે ખુદ પુત્રીએ અગાઉ સસરાના અપહરણ અંગે હળવદ પોલીસ મથકમાં પિતા વિરૂદ્ધ અરજી કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા સાગર મગનભાઈ રિબડીયાએ થોડો સમય પૂર્વે મુકેશભાઇ કાળુભાઇ રાવલદેવની પુત્રી રેખા સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા.

આ બાબતનો ખાર રાખી આરોપી મુકેશભાઇ કાળુભાઇ રાવલદેવ અને તેની સાથેના માણસોએ સાગરના પિતા મગનભાઈનું રાયધ્રા નજીકથી કારમાં અપહરણ કરી જતા ખુદ આરોપી મુકેશભાઇ કાળુભાઇ રાવલદેવની પુત્રી રેખાએ તેના પિતાએ તેણીના સસરાનું અપહરણ કરવા મામલે હળવદ પોલીસને અરજી કર્યા બાદ મગનભાઈના પુત્ર મહેશભાઇ મગનભાઇ રિબડીયાએ આરોપી વિરુદ્ધ અપહરણ કરવા મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૫,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્‍હો નોંધી તપાસ શરૂ કરી છે.

(10:31 am IST)