Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

સુરેન્‍દ્રનગર જીલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા કોરોના ટેસ્‍ટની સંખ્‍યા વધારવા આદેશ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૯ : કોરોનાની ત્રીજી લહેર બાદ ઝાલાવાડવાસીઓ નિરાંત અનુભવી રહ્યા છે. ત્‍યારે ફરી કોરોનાના આગમનના ભણકારા વાગી રહ્યા છે. ગુજરાત રાજયના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. મંગળવારે સમગ્ર રાજયમાં કોરોનાના નવા ૭૨ કેસ ધ્‍યાને આવ્‍યા છે. જેમાં એકલા અમદાવાદના ૪૪ કેસ છે. ત્‍યારે રાજયના અન્‍ય જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ દેખાતા જિલ્લા આરોગ્‍ય વિભાગ પણ સતર્ક બન્‍યુ છે. જિલ્લા આરોગ્‍ય અધીકારી ડો. ચંદ્રમણીકુમારના જણાવાયા મુજબ જિલ્લા વિકાસ અધીકારી કે.સી.સંપતના માર્ગદર્શનથી સુરેન્‍દ્રનગર જિલ્લામાં કોરોનાના RTPCR અને એન્‍ટીજન ટેસ્‍ટની સંખ્‍યા વધારવાની સૂચના આપી દેવાઈ છે. પહેલા જયારે ૧૦૦થી વધુ ટેસ્‍ટ થતા હતા તેની સંખ્‍યા હવે વધારીને ૩૦૦ થી ૪૦૦ કરી દેવામાં આવી છે. શંકાસ્‍પદ લક્ષણો ધરાવતા દરેક દર્દીના હવે કોરોના ટેસ્‍ટ કરવામાં આવશે. બીજી તરફ કોરોનાની રસી મુકવાની કાર્યવાહી પણ ચાલુ છે. સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા. ૧૫ માર્ચના રોજ કોરોનાનો એક કેસ ધ્‍યાને આવ્‍યો હતો. ત્‍યારબાદથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. છેલ્લી લહેરમાં કોરોનાના કુલ કેસ ૧૯૬૩ થયા હતા.

(11:41 am IST)