Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ધોરાજીમાં ભાડૂતે દૂકાનો ખાલી નહી કરતા બે શખ્‍સો વિરૂધ્‍ધ લેન્‍ડ ગ્રેબીંગ એકટની ફરિયાદ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૯: ધોરાજીમાં ભાડા કરાર પુરો થઈ ગયા બાદ પણ બે દુકાનો ખાલી ન કરી લાખોની કિંમતની જમીન પચાવી પાડવાનો કારસો કરનાર બે શખ્‍સો સામે પટેલ યુવાને ફરિયાદ કરતા પોલીસે લેન્‍ડ ગ્રેબીંગ એકટ સહિતની કલમો હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ધોરાજીના સ્‍ટેશન રોડ પર ભોલા દર્શન એપાર્ટમેન્‍ટમાં રહેતા ફરિયાદી શિવકુમાર મહેન્‍દ્રભાઈ ભાયાણી પટેલે ધોરાજી પોલીસ માં તેમજ જિલ્લા કલેક્‍ટરશ્રી રાજકોટ અને ધોરાજી મામલતદાર શ્રી વગેરેની ફરિયાદ કરી હતી જેના અનુસંધાને આરોપી ઓ  (૧)જગદીશ કલ્‍યાજી (૨)અલ્‍તાફ અબ્‍બાસભાઈ  વિરૂધ્‍ધ  છેતરપીંડી, વિશ્વાસઘાત અને લેન્‍ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદી શિવકુમાર મહેન્‍દ્રભાઈ ભાયાણી પટેલ એ કરેલ ફરિયાદ માં જણાવ્‍યું છે કે તેમના પિતા મહેન્‍દ્રભાઈએ પોતાની માલિકીની જમીન જગદીશભાઈને મોટર ગેરેજ કરવા અને અલ્‍તાફને મોતી આમલેટની દુકાન કરવા માટે ભાડા કરારથી આપી હતી.
મહેન્‍દ્રભાઈ બાદ વારસાઈ મિલ્‍કત તરીકે આ જમીન શિવકુમારને મળી હતી. મહેન્‍દ્રભાઈએ ૨૮૦ ચોરસવાર જમીન વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૮ દરમ્‍યાન ૧૧ વર્ષના ભાડા કરાર કર્યો હતો. પરંતુ ભાડા કરાર પુરો થઈ ગયા બાદ પણ બન્ને શખ્‍સોએ મોટર ગેરેજ અને દુકાન ખાલી કરવાનો ઈન્‍કાર કરી દીધો હતો. શિવકુમારે અવારનવાર પોતાની દુકાનો પરત સોંપી દેવા ધકકા ખાધા હતા છતાં લાખોની મિલ્‍કત પચાવી પાડવાનો ઈરાદો હોય જગદીશભાઈ અને અલ્‍તાફે દુકાનો ખાલી ન કરતા પટેલ યુવાને અંતે પોલીસ સમક્ષ ફરિયાદ કરાઈ છે આ મામલે જેતપુર નાયબ પોલીસ વડા મહર્ષી રાવલ એ વધૂ તપાસ હાથ ધરી છે.
ઉપરોક્‍ત ફરિયાદ ઘણા લાંબા સમય બાદ ન્‍યાય મળ્‍યો હતો તેમ ફરિયાદીએ જણાવ્‍યું હતું.

 

(12:15 pm IST)