Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

આગામી ચૂંટણીમાં કોંગ્રેસનું નામુ નખાઇ જશે : રાઘવજીભાઇ પટેલ

ધ્રોલ તાલુકાના હમાપર ગામે ૩૦ લાખના ચેકડેમોના કામોનું કૃષિમંત્રી હસ્‍તે ખાતમુહૂર્ત

ધ્રોલ તા. ૯ : ધ્રોલ તાલુકાના હમાપર ગામે તેમજ વાંકીયા ગામે જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા મંજુર થયેલ ચેકડેમના કામોનું રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને જીલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના હસ્‍તે ખાતમુહુર્ત કરવામાં આવેલ હતુ.

મળતી વિગત મુજબ ધ્રોલ તાલુકાના હમાપર ગામે ધુનડી વાડો ચેકડેમ ૧૫ લાખ, કાથભાઈ શિયાળની વાડી પાસે આવેલ ચેકડેમના ૪.૯૩, હમાપર ચેકડેમ નં. ૨ ૩.૯૬ અને મનુભાઈ કાથડની વાડી પાસે આવેલ ચેકડેમ ૬.૨૪ મળીને કુલ ચાર ચેકડેમના ૩૦ લાખ ઉપરની ગ્રાન્‍ટ મંજુર થતા આજરોજ આ ચેકડેમના કામોનું ખાતમુર્હત રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવતા મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહીને રાધવજીભાઈ પટેલનું ફુલહારથી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતુ તેમજ ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે ૧૭ લાખનો અને ઉડ નદી કાંઠે આવેલ ચેકડેમ૧૩.૮૦ લાખ મંજુર તથા આ કામોનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્‍યુ હતુ.

આ પ્રંસગે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલએ જણાવ્‍યુ હતુ કે, આ સરકાર ખેડુતોની સરકાર છે અને ખાતર, યુરીયાના ભાવ વધારો થવા છંતા સરકારે ખેડૂતો ઉપર બોજો પડવા દીધો નથી અને સબસીડી આપીને રાહત આપી છે તેમજ વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારાારા વધુને વધુ ચેકડેમ, તળાવ થાય તેવી નેમ સાથે કામો મંજુર કરવામાં આવી રહયા છે.

વધુમાં કૃષિમંત્રીએ જણાવ્‍યુ હતુ કે, કોંગ્રેસના ઠેકાણા નથી અને આગામી ચુંટણીમાં કોંગ્રેસનું નામુ નખાઈ જશે ત્‍યારે ટોણો મારતા રાઘવજીભાઈ પટેલએ કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને યાદ કરીને ગ્રામજનોને કહયુ હતુ કે, ભરતસિંહ સોલંકીનો વીડીયો કોઈ જોયો છે ? કોંગ્રેસના આવા નેતા હોય ત્‍યા કોંગ્રેસની હાલત કેવી છે તે ખબર પડી જાય છે તેવુ અંતે જણાવ્‍યુ હતુ.

આ કાર્યક્રમ પ્રસંગે રાઘવજીભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા તેમજ અન્‍ય ભાજપના આગેવાનો, કાર્યકરો, ગ્રામ પંચાયતના સરપંચ, સભ્‍યો, સિંચાઈ વિભાગના ઈજનરો, કર્મચારીઓ સહીતમાં મોટી સંખ્‍યામાં ગ્રામજનો ઉપસ્‍થિત રહયા હતા. (સંજય ડાંગર, ધ્રોલ)

(12:56 pm IST)